પાલિકાની જગ્યા પર જ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં જલદ એસિડ છોડાતુ હોવાનો ઘટસ્ફોટ

0
0

વડોદરાના વડસર વિસ્તારમાં પાલિકાને કચરાની ગાડીઓ મૂકવા માટે ફાળવેલી જગ્યા પર પાઇપલાઇન ગોઠવીને વિશ્વામિત્રી નદીમાં જલદ એસિડ છોડનારા કંપનીના માલિક સહિત 5 સામે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડસરના ભીખા ભાલીયા, તેનો પુત્ર દિપક અને મહેશ ભાલીયા નામના શખસોએ આ કૃત્ય કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધવાળું જોખમી તેજાબી એસિડિક પાણી જોવા મળ્યું
GPCBના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એચ.સી. પાદરિયાએ માંજલપુર પોલીસમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવા બાબતની ફરિયાદો વિવિધ ગ્રામ પંચાયતો તરફથી મળી હતી. જેના પગલે અધિકારીઓને તપાસ સોંપી હતી. દરમિયાન ગુરૂવારે રાત્રે વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધવાળું જોખમી તેજાબી એસિડિક પાણી મારેઠા ગામ પાસે જોવા મળ્યું હતું. જે પાણીના નમૂના એકત્રિત કર્યાં હતા, ત્યારબાદ આવું પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં કેવી રીતે આવે છે. તે દિશામાં તપાસ આરંભી હતી.

પાલિકાની કચરાની ગાડીઓ મૂકવાના સ્ટેશનની જગ્યામાં પાઇપલાઇનથી એસિડ છોડાતુ હતું
તપાસ દરમિયાન વડસર બ્રિજ પાસે આવેલા પાલિકાના કચરાની ગાડીઓ મૂકવાના સ્ટેશનની જગ્યામાં જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી(તેજાબ) ફલેક્સિબલ હોઝ પાઇપલાઇન થકી વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નિરિક્ષણ કરતા અગાઉ એકત્રિત કરેલ સેમ્પલોમાં મળી આવેલુ પ્રવાહી પાઇપલાઇનમાં પણ જણાઈ આવ્યું હતુ.

એસિ઼ડ છોડવાના કૌભાંડ અંગે પાલિકાને જાણ કરાઇ
કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પાઇપલાઇનનો ઉપયોગ કરીને આયોજનપૂર્વક વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી અને દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરવાનું ગંભીર કૃત્ય સમજી-વિચારીને આચર્યું છે. આ જગ્યા વિજેશભાઈ ગાંધી દ્વારા ભાડે આપવામાં આવી છે અને તેના સુપરવાઇઝર તરીકે રવિભાઈનું નામ જાણવા મળ્યું હતું. આ અંગે વડોદરા મહાનગરપાલિકાને મૌખિક જાણ કરવામાં આવી છે .

આરોપીઓ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
અત્યંત જોખમી એસિડને નદીમાં છોડાતાં વિશ્વામિત્રી ઉપરાંત ઢાઢરમાં રહેતા મગર અને અન્ય જળચર સૃષ્ટિ ઉપરાંત જમીન અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડાયું હોવાનું જણાવી GPCBએ આ મામલે વિજેશભાઈ ગાંધી, રવિભાઈ, ભીખાભાઈ ભાલીયા, દિપકભાઈ ભાલિયા, મહેશભાઈ ભાલિયા(તમામ રહે- વડસર ગામ) તથા અન્ય તમામ સંડોવાયેલા જમીન માલિક, જમીન ભાડે રાખનાર તેમજ કેમિકલ આપનાર, લાવનાર, વહન કરનાર તમામ જવાબદાર વ્યક્તિઓ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here