વધુ ક્રિકેટ રમનારા પાસે વધુ સમજ હોય તે ગેરસમજ છે : ચીફ સિલેક્ટર

0
45

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રવિવારે પસંદગી સમિતિ દ્વારા વિરાટ કોહલીને કેપ્ટન બનાવાતા તે મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ગાવસ્કરે પસંદગી સમિતિને પણ કઠપૂતળી કહી દીધી હતી. ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે મંગળવારે કહ્યું હતું કે આપણા દેશમાં લોકોને એવી ગેરસમજ છે કે જે વધુ ક્રિકેટ રમ્યા છે તેમને આ રમતની વધુ સમજ છે. પસંદગી સમિતિના સભ્યોના ક્રિકેટમાં ઓછા અનુભવ પર હંમેશા સવાલ ઊઠ્યા છે. આ સમિતિમાં પાંચમાંથી ત્રણ સભ્ય પાસે 13 ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે, જ્યારે બે સભ્ય એક પણ ટેસ્ટ નથી રમ્યા. બીજી તરફ, ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10,122 રન બનાવ્યા છે. જોકે, ગાવસ્કરે ઉઠાવેલા સવાલ મુદ્દે પ્રસાદે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પૂછેલા સવાલોના જવાબ આપ્યા હતા.

પસંદગી સમિતિના કદ અને અનુભવને લઈને ઘણાં નિવેદનો આવ્યાં છે. શું તમે દુ:ખી છો?

  • હું તમને કહી દઉં કે, પસંદગી સમિતિના તમામ સભ્ય ભારતીય ટીમ તરફથી જુદા જુદા ફોર્મેટમાં રમ્યા છે. અમારી એપોઈન્ટમેન્ટનો તે બેઝિક ક્રાઈટેરિયા હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય અમે બધા જ 477 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છીએ. અમારા કાર્યકાળમાં અમે 200થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ પણ જોઈ છે. શું આ આંકડાથી તમને નથી લાગતું કે, ખેલાડી અને પસંદગીકાર તરીકે અમે યોગ્ય ખેલાડીને પસંદ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ?

તમે બધાએ કુલ 13 ટેસ્ટ રમી છે. તેના પર પણ સવાલ ઊઠ્યા છે.

  • જો વાત ઈન્ટરનેશનલ ક્રિકેટના અનુભવની છે તો ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચેરમેન એડ સ્મિથના અનુભવને જુઓ. તેમની પાસે ફક્ત એક ટેસ્ટનો અનુભવ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના ચેરમેન ટ્રેવર હોન્સે ફક્ત સાત ટેસ્ટ રમી છે અને તેઓ વચ્ચે અઢી વર્ષને બાદ કરતા છેલ્લા દોઢ દસકાથી ચીફ સિલેક્ટર છે. 128 ટેસ્ટ અને 244 વન-ડે રમનારા માર્ક વૉ તેમના નીચે કામ કરે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ગ્રેગ ચેપલ 87 ટેસ્ટ અને 74 વન-ડે રમ્યા છે અને તેઓ પણ હોન્સની નીચે કામ કરે છે. જ્યારે એ દેશોમાં ઈન્ટરનેશનલ અનુભવ મુદ્દો નથી, તો આપણા દેશમાં આવું કેમ? હું એ કહેવાનો પ્રયાસ કરું છું કે દરેક કામ માટે જુદી જરૂરિયાત હોય છે. જો અનુભવનો સવાલ છે તો રાજસિંહ ડુંગરપુર ક્યારેય પસંદગી સમિતિના અધ્યક્ષ જ ના હોત કારણ કે, તેઓ ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા ન હતા. તેઓ ના હોત તો કદાચ સચિન તેંડુલકર પણ 16 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શક્યો ના હોત! ડુંગરપુરે જ તેંડુલકરને તક આપી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટના અનુભવને જ ક્રાઈટેરિયા માનવામાં આવે તો અનેક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પસંદગીકાર બની જ ના શકે.

તમને નબળા પસંદગીકાર કહેવાયા, ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપી હતી?

  • તે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે દિગ્ગજ ક્રિકેટરોનું સન્માન કરીએ છીએ. દરેક મુદ્દે તેમના પોતાનાં સૂચન છે, જે મહત્ત્વના છે, પરંતુ આ પ્રકારની વાતોથી દુ:ખી થવાના બદલે અમે કમિટેડ અને સ્ટ્રોંગ થઈને એકજૂટ થઈને અમારું કામ કરીએ છીએ.

કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીનો પસંદગી સમિતિ સાથે મતભેદ હોય, ત્યારે કેવી રીતે ઉકેલ લાવો છો? શું તેઓ સમિતિ પર દબાણ લાવે છે?

  • શાસ્ત્રી કોચ અને કોહલી કેપ્ટન છે. દ્રવિડ ટીમ-એનો કોચ છે. તમામની જુદી જુદી ભૂમિકા અને જવાબદારી છે. અમે એકજૂટ થઈને કામ કરીએ છીએ. ઘણી વાર મતભેદ હોય છે, પરંતુ તે જાહેર નથી કરાતા. બંધ ઓરડામાં જે થાય છે, તે ત્યાં રહે છે. છેવટે એ થાય છે જે ટીમ અને દેશહિતમાં હોય છે. લોકોનું ખોટું અનુમાન છે કે જે ખેલાડીઓ વધુ ક્રિકેટ રમ્યા છે તેમની પાસે ક્રિકેટનું વધુ જ્ઞાન હોય છે. તેઓ કોઈના પર હાવી થઈ શકે છે, પરંતુ એવું નથી. જો એવું હોત તો કોચિંગ યુનિટ, પસંદગી સમિતિ કે અન્ય જગ્યાએ એવા લોકો હોત જેમની પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટનો વધુ અનુભવ છે!

તમે પસંદગી સમિતિના છેલ્લાં ત્રણ વર્ષના કામનું કેવી રીતે આકલન કરો છો?

  • પસંદગી સમિતિએ ઘરેલુ ક્રિકેટમાં ટેલેન્ટ સર્ચ કરવા આખા દેશનો પ્રવાસ કર્યો. અમે ખેલાડીઓની પ્રતિભાના આધારે તેમને ટીમ ઈન્ડિયા-એ અને પછી સિનિયર ટીમમાં તક આપી.
  1. ટેસ્ટ ટીમે 13 ટેસ્ટ સીરિઝમાંથી 11 જીતી. અમારી ટીમ છેલ્લાં ત્રણ વર્ષથી દુનિયાની નં.1 ટેસ્ટ ટીમ છે.
  2. વન-ડેમાં જીતની ટકાવારી 80-85% છે. વર્લ્ડ કપ સેમિફાઈનલની હાર પહેલાં વન-ડેની નં.1 ટીમ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યા હતા. 2016-18માં એશિયા કપ પણ જીત્યો હતો.
  3. ઈન્ડિયા-એ ટીમે 11માંથી 11 વન-ડે સીરિઝ જીતી. ઈન્ડિયા-એ ટીમે 9માંથી 8 ટેસ્ટ સીરિઝ જીતી.
  4. અમે 35 નવા ખેલાડીને તૈયાર કર્યા અને તેમને ત્રણ ફોર્મેટમાં સિનિયર ટીમમાં સામેલ કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here