નવો નિયમ : હવે BIS માર્કિંગવાળું હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, લોકલ હેલ્મેટ પહેર્યું તો 1,000 રૂપિયા દંડ ચૂકવવો પડશે

0
3

દિલ્હી. માર્ગ અકસ્માતમાં ટૂ-વ્હીલર ચાલકોની સલામતીના વધુ પ્રયત્નોના ભાગરૂપે સરકારે હેલ્મેટને ફરજિયાત પહેરવા માટે કવાયત હાથ ધરી છે અને તે હેઠળ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી દેશમાં ફક્ત ભારતીય માનક બ્યૂરો (BIS) તરફથી પ્રમાણિત હેલ્મેટનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, BISની સૂચિમાં હેલ્મેટનો સમાવેશ કરવાથી માર્ગ અકસ્માતમાં ટૂ-વ્હીલર ચાલકોનો જીવ બચી શકશે.

મંત્રાલયે લોકોની પ્રતિક્રિયા પણ માગી

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, એકવાર પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી દેશભરના ટૂ-વ્હીલર ચાલકો માટે ફક્ત ભારતીય માનક બ્યુરો પાસેથી સર્ટિફાઇડ હેલ્મેટનું ઉત્પાદન અને વેચાણ કરશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, મંત્રાલયે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2016 હેઠળ ટૂ-વ્હીલર ડ્રાઇવર્સ માટે હેલ્મેટનું ફરજિયાત પ્રમાણપત્ર આપવા માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન તૈયાર કર્યું છે. મંત્રાલયે આ અંગે લોકોની પ્રતિક્રિયા પણ માગી છે.

નવા ધોરણોમાં હેલ્મેટનું વજન ઘટાડાયું

નિષ્ણાંતોનું કહેવું છે કે, હેલ્મેટ અથવા નબળી ગુણવત્તાવાળા હેલ્મેટ (લોકલ હેલ્મેટ) હશે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. નવા ધોરણમાં હેલ્મેટનું વજન દોઢ કિલોથી ઘટાડીને 200 ગ્રામ કરી દેવામાં આવ્યું છે. નોન-BIS હેલ્મેટ ઉત્પાદન, સ્ટોક અને વેચાણને હવે ગુનો ગણવામાં આવશે. આવું કરશે તો કંપનીને દંડ અને બે લાખ રૂપિયાના દંડની સજા થશે. લોકલ હેલ્મેટ્સની નિકાસ પણ હવે નહીં થઈ શકે.