બીગ ડીલ : ITCએ 70 વર્ષ જુની મસાલા કંપની સનરાઈઝ ફૂડસને રૂ. 2,150 કરોડમાં ખરીદી

0
3

નવી દિલ્હી. FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITCએ મસાલા બનાવતી કંપની સનરાઈઝ ફૂડસ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 2,150 કરોડમાં ખરીદી છે. ITCના જણાવ્યા મુજબ આ ડીલમાં સનરાઈઝના 100% શેર્સ કેશ ફ્રી અને ડેટ ફ્રી આધારે હસ્તગત કરવામાં આવ્યા છે. આ સાથે સનરાઇઝ અને તેની બે સબસિડીયરી કંપનીઓ, સનરાઇઝ શીતગ્રહ અને હોબિટ્સ ઇન્ટરનેશનલ ફૂડ્સ પણ ITCની માલિકીની પેટાકંપનીઓ બની ગઈ છે.

સનરાઈઝ 70 વર્ષ જૂની બ્રાંડ છે
સનરાઈઝ ગ્રુપની 100% માલિકી પરિવાર પાસે છે અને મુખ્યત્વે ભારતીય સ્પાઈસીસ (મસાલા)નું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની પૂર્વ ભારતમાં છેલ્લા 70 વર્ષથી મસાલાની કેટેગરીમાં ટોચની બ્રાંડ છે. માર્ચ 2020 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 242.89 કરોડ હતી. સનરાઈઝની કલકત્તા, આગ્ર, જયપુર અને બિકાનેરમાં ફેક્ટરી છે. કંપનીનું ટર્નઓવર 2019-20 દરમિયાન રૂ. 591.50 કરોડ રહ્યું હતું.

મસાલા માર્કેટમાં ITCની હિસ્સેદારી વધશે
ITCએ આ ડીલ અંગે જણાવ્યું કે, આ એક્વિઝેશનથી ITCના મસાલાનો બિઝનેસ વધશે અને દેશના મહત્વના માર્કેટમાં તેની હાજરી મજબુત થશે. કંપની આશીર્વાદ બ્રાન્ડ હેઠળ મસાલાનું વેચાણ કરે છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેની મજબુત હાજરી છે.