તારાજી : જામખંભાળિયામાં આભ ફાટ્યું, 20 કલાકમાં 19 ઇંચથી જળબંબાકાર, ઘરોમાં પાણી ઘુસ્યા, NDRFની ટીમ પહોંચી

0
5

જામખંભાળિયા. જામખંભાળિયામાં મેઘકહેર થતાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જામખંભાળિયા પંથકમાં છેલ્લા 20 કલાકમાં ધોધમાર 19 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે જામ ખંભાળિયામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદના પગલે રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 19 ઈંચ વરસાદ પડતા શહેર આખુ જળ બમ્બાકાર થઈ ગયું છે અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ જામ ખંભાળીયા પહોંચી ગઈ છે. મહત્વનું છે કે ગઈકાલે સાંજે 6થી 8 માત્ર 2 કલાકમાં જ ધોધમાર 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે.

નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા

ખંભાળિયા શહેરના નીચાણવાળા વિસ્તાર રામનાથ સોસાયટી, તુલસી પાર્ક, બસ ડેપોની બાજુનો વિસ્તાર, બંગલાવાળી પાસે આવેલ એક્સચેન્જ સામેનો વિસ્તાર, નવાપુરાની બાજુમાં આવેલ ચમારપાડા’ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ રામનાથ સોસાયટીમાં ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગળાડૂબ જોવા મળ્યા હતા.

દાતા ગામના પુલ પરથી પાણી વહેવા લાગતા હાઈવે પરનો સંપર્ક તૂટ્યો

ભારે વરસાદના પગલે ખંભાળિયા જામનગર રોડ પરના દાતા ગામ પાસેના મેઇન રોડને જોડતા પુલ પરથી પાણી વહેવા લાગતા હાઈવે પરનો સંપર્ક તુટી ગયો હતો. દલવાડી હોટેલ પાસે જે બ્રીજની કામગીરી ચાલુ છે તે રસ્તો ધોવાઇ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

નદીઓ બેકાંઠે વહેવા લાગી 

મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને પોલ ધરાશાયી થયા હતાં. જોકે કોઇ જાનહાનિ થઇ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગ્રામ્ય પંથકમાં ખેતરોમાં પાણી ભરાય ગયા હતા અને નદી બે કાંઠે વહેવા લાગી હતી. ખંભાળિયા તાલુકાના ફોટ ગામથી લાલપરડા અને હસ્થળથી બારા ગામનો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે.

દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ ઉતારવામાં આવી
સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તંત્રને ખાસ એલર્ટ રહેવા સૂચના અપાઇ હતી અને હવામાનની આગાહીને ધ્યાનમાં લઈને દ્વારકા જિલ્લામાં NDRFની ટીમ ઉતારવામાં આવી છે. ધોધમાર વરસાદ ખાબકતા નાના એવા શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here