- Advertisement -
જામનગર જિલ્લાનાશ્રી સુરેશભાઈ દામજીભાઈ સાવલિયાના જીવનમાં કૃષિ મહોત્સવએ પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે. ખુબ જ ઉત્સાહી, ખંતીલા અને સખત મહેનતુ સુરેશભાઇ જામનગર જિલ્લાના જગા ગામના ખેડૂત છે. જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. ત્યાં વરસાદ માત્ર 300 થી 350 એમ એમ જેટલો ઓછો પડે છે. ભૂગર્ભ પાણી પણ ખુબ જ ઊંડા છે. આ પરિસ્થતિમાં બાગાયતી પાકોની ખેતી લગભગ અશક્ય જ છે ઉપરાંત જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજ, હરણ વગેરેનો પણ ઘણો પ્રશ્ન રહે છે. આમ છતાં સુરેશભાઈએ પોતાના ખેતરને કાંટાળા તાર, નેટ અને જાળીથી રક્ષિત કરેલ છે. તેમનો પરિવાર સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે. તેમની પાસે અન્ય કોઈ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમણે ખેતીને જ ધંધાનું સ્વરૂપ આપ્યું છે.
સુરેશભાઈ ખેતીની સાથે પશુપાલન કરતા સામાન્ય ખેડૂત છે છેલ્લા 25 વર્ષથી તેઓ મગફળી, કપાસ, મકાઇ, જુવાર, રજકો વગેરે પાકોની અન્ય ખેડૂતોની જેમજ સામાન્ય ખેતી કરી રહ્યા હતા. અને થોડા અનુભવ બાદ તેમણે રીંગણની ખેતી શરૂ કરી પરંતુ કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈએ કૃષિ મહોત્સવ દરમ્યાન ખારેકની ખેતી વિષે જાણ્યું અને ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકની માહિતી મેળવી અને થોડા સમયમાં તેમણે ટીશ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કર્યું.
તેમણે ટીશ્યુ કલ્ચર અને દેશી ખારેક વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે દેખાયો, ટીશ્યુ કલ્ચર ખારેકમાં પાંદનો વિકાસ દેશી ખારેક કરતા વ્યવસ્થિત જોવા મળ્યો તેમજ તેમાં ફૂલ અને ફળ બેસવાનો સમય એક જ સરખો જોવા મળ્યો. ઉપરાંત તેમાં ખારેક જમીનની સાવ નજીક લાગવાથી ખારેક ઉતારવી ખુબ જ સહેલી છે. આ ખારેકનો સ્વાદ દેશી ખારેકના સ્વાદ કરતા ખુબ જ મીઠો હતો. તેમજ તેમાં ઉત્પાદન અને ફળની સાઈઝ એક સરખી હોવાથી તેના ભાવ વધારે આવવાથી તેમની આવક પણ વધી. સૌથી મહત્વનો ફાયદો જોઈએ તો આ ખારેક ત્રીજા વર્ષથી ઉત્પાદન આપે છે જયારે દેશી ખારેક છઠ્ઠા વર્ષથી ઉત્પાદન આપે છે આમ ટીસ્યુ કલ્ચર ખારેકથી છેલ્લા આઠ વર્ષથી તેઓ ખારેકની ખેતી સફળતા પૂર્વક કરી રહ્યા છે.
ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી તેમજ કોઇપણ જાતના રસાયણીક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ વિના માત્ર જૈવિક ખાતર, દેશી ખાતર, અળસિયાનું ખાતર અને જૈવિક દવાઓના જ ઉપયોગ થકી 3 એકર જમીનમાં તેઓ છેલ્લા 8 વર્ષથી ખુબ કુશળતા પૂર્વક ખારેકની જૈવિક ખેતી કરી રહ્યા છે. આજે સુરેશભાઈ 120 કિલો ખારેકનું ઉત્પાદન એક ઝાડમાંથી મેળવે છે અને આ રીતે 2.25 લાખ રૂ/. એક વિઘામાંથી કમાય છે. જૈવિક ખેતીના આ સમયમાં તેમના ખેતીના આ નવીન પ્રયોગને તેઓશ્રી દ્વારા ભોજલ રામ ઓર્ગનિક ખારેકના બ્રાન્ડ નામથી વેચાણ કરી રહ્યાં છે અને તેનું માર્કેટિંગ પૈકિંગ અને વેચાણ પણ તેઓ જાતે જ કરી રહ્યા છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર