Saturday, September 18, 2021
Homeજામનગર : જય શુક્લ બન્યો ક્રિકટ જગતનો સૌથી નાની વયનો અમ્પાયર
Array

જામનગર : જય શુક્લ બન્યો ક્રિકટ જગતનો સૌથી નાની વયનો અમ્પાયર

જામનગર શહેર જામરણજીતસિંહજીથી લઇને રવિન્દ્ર જાડેજા સુધી અનેક ક્રિકેટર દેશ અને વિશ્વને આપ્યા છે. હવે ક્રિકેટમાં સૌથી નાના વયના અમ્પાયર પણ જામનગરે આપ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જય શુક્લ અમ્પાયરિંગ કરી રહ્યાં છે. જયે 21 વર્ષની ઉંમરે અમ્પાયરિંગ કરવાની શરૂઆત કરી છે અને બે વર્ષમાં 11 જેટલી મેચમાં અમ્પાયરિગ કર્યું છે. ક્રિકેટ પ્રત્યેના શોખના કારણે બીઇ ઇલેક્ટ્રિકલ જય શુક્લે ક્રિકેટ ક્ષેત્રમાં અમ્પાયર તરીકેની કારકિર્દી બનાવી છે. તેની ઇચ્છા આંતરરાષ્ટ્રીય કક્ષાના અમ્પાયર બનવાની છે.

​​​​​​​21 વર્ષની ઉમરે બન્યા હતા SCAના અમ્પાયર

જય રાકેશ શુક્લ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન(SCA)માં અમ્પાયર છે. તે BCCIમાં અમ્પાયર બનવા માટેની તૈયારી કરી રહ્યા છે. તેની ઇચ્છા BCCI અને ICCમાં અમ્પાયર બનવાની છે અને એ માટેની તેણે અત્યારથી તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. તેની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં અમ્પાયર તરીકેની નિમણુક 21 વર્ષની ઉમરે કરવામાં આવી હતી અને બે વર્ષમાં તેણે 11 મેચમાં અમ્પાયરની ભુમિકા નિભાવી છે. આ 11 મેચમાં 7 જામનગરમાં, 3 રાજકોટ અને 1 સણોસરામા મેચ રમાઈ હતી. તે અન્ડર 16, અન્ડર-19 અને અન્ડર-23માં જિલ્લા કક્ષાએ પણ અમ્પાયર બન્યા છે.

જયને નાનપણથી જ ક્રિકેટનો શોખ

જય શુક્લમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ દાદાના વારસામાંથી મળ્યો છે. જામનગરમાં નવાનગર ક્રિકેટ એકેડમીમાં ત્રણ વર્ષ ટ્રેનિંગ લીધી છે. નાનપણથી જ તેને ક્રિકેટ રમવાનો અને જોવાનો શોખ છે. દાદા જગદિશચંદ્ર શુક્લ સાથે જય તમામ મેચનું પ્રસારણ નિહાળતો. મોડી રાત્રિની લાઈવ મેચ હોય કે જુના મેચનુ રીટેલીકાસ્ટ હોય, જયારે ટીવીમાં મેચનુ પ્રસારણ ચાલુ થાય તે સાથે દાદા-પૌત્ર ટીવી સામે જ બેસી રહેતા. જેના કારણે પરિવારના સભ્યો જયને ઠપકો પણ આપતા પરંતુ આજે આ ક્રિકેટ પ્રત્યેનું વળગણ તેની કારકિર્દી માટે મહત્વનું સાબિત થયું છે.

અભ્યાસ માટે ક્રિકેટ રમવાનું છોડ્યું પણ શોખ નહીં

જય શુક્લએ અભ્યાસ માટે ક્રિકેટ રમવાનું પરિવારના દબાણથી છોડ્યું હતું, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો શોખ તેણે છોડ્યો ન હતો. ત્રણ વર્ષ સુધી નિયમિત પણે ક્રિકેટ રમ્યા બાદ તેણે બી.ઇ. ઇલેક્ટ્રિકલ વિષય પર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સારા પગાર સાથે ખાનગી કંપનીમાં નોકરી પણ મળી, પરંતુ નોકરી કરવાની ઇચ્છા ઓછી હોવાથી તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી ઇવેન્ટમેનેજમેન્ટનું કામ શરૂ કર્યું.

2019મા અમ્પાયર માટે ત્રણ દિવસના સેમીનારમાં હાજરી આપી

ઇવેન્ટ મેનેજમેન્ટના કામ દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયર માટે ભરતી બહાર પાડવામાં આવી હોવાની જયને જાણ થઇ હતી. ક્રિકેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે અચાનક આવેલી તકને જયે ઝડપી લીધી. 2019માં અમ્પાયર માટેના ત્રણ દિવસના સેમીનારમાં હાજરી આપી અને આંતરરાષ્ટ્રિય કક્ષાના અમ્પાયર અમીશ સાહેબા પાસેથી માર્ગદર્શન મેળવ્યું. લેખિત પરીક્ષા, વાઇવે અને પ્રેક્ટિલમાં જયે ઉત્તીર્ણ થયા. 17 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. જયે આ પરિક્ષા 21 વર્ષની ઉંમરે પાસ કરી હતી.

BCCIની પરીક્ષા માટે દરરોજ 4 કલાકનું વાંચન

જયને આંતરરાષ્ટ્રિય કક્ષાના અમ્પાયર બનવું છે. હાલ તે BCCIની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ પરીક્ષા માટે દિવસના 4 કલાકથી વધુનુ વાંચન કરે છે. આ અંગે જય શુક્લે જણાવ્યું હતું કે, અમ્પાયર બનવા માટેના અનેક કારણો છે. આપણે જે વિષયમાં રુચિ અને શોખ હોય તે વિષયમાં આગળ વધવું જોઇએ. મને ક્રિકેટમાં શોખ હોવાથી મે આ ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું છે. એક ક્રિકેટર બનવા માટે અનેક હરિફાઇ હોય છે પરંતુ અમ્પાયર બનવા માટેની સંખ્યા ઓછી હોય છે. અમ્પાયરનું કામ ખૂબ ચોકસાઈ માગી લે તેવું છે, કારણ કે અહીં ભૂલને કોઇ અવકાશ હોતો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments