- Advertisement -
જામનગર થલ સેનાના મિલીટ્રી સ્ટેશન ખાતે સામાન્ય નાગરિકોને ભારતીય સેનાની દેશના રક્ષણ કરવા માટેની ભૂમિકાથી વાકેફ કરવામાં આવ્યાં હતા અને વધુમાં વધુ લોકો સેના સાથે જોડાય તેમજ નવા સાહસો અને પડકારોનો સામનો કરવા સેનામાં કારર્કિર્દી બનાવે તે માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જવાનો દ્વારા પી.ટી.ના દાવ, મલ્લખમ અને સેનાના હથિયારો જેવા કે રાઇફલ્સ, ૮૪ એમએમ રોકેટ લોન્ચર, ૮૧ એમએમ મોર્ટાર, મિશાઈલ લોન્ચર, બેટલફિલ્ડ સર્વેલન્સ રડાર વગેરેનુ પ્રદર્શન યોજાયું હતું. તેમજ કારગીલ વિજય દિવસની યાદી રૂપ આ વર્ષે તેને ૨૦ વર્ષ પૂર્ણ થતા તેના વિષેનુ વિડીયો તેમજ વસ્તુઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નંદવિદ્યા નિકેતન શાળા, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ શાળા, શ્રી આંણદા બાવા સેવા સંસ્થાની શાળા, સૈનિક સ્કુલ બાલાચડી વગેરે શાળાના બાળકોએ કાર્યક્રમમાં હાજર રહી તેમજ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સ્થળ પર અધિકારીઓ દ્વારા બાળકોને બાળ સહજ ભાષામાં હથિયારો, સાધનો અને સેના વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, થલ સેના કમાન્ડર/અધિકારીઓ, જવાનો અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર: સંજય મર્દનીયા,CN24NEWS જામનગર