કાંટામાં ય ફાયદો શોધી કાઢે તે ગુજરાતીઃ જુઓ જામનગરના ડોક્ટરે કેવી રીતે શરૂ કરી કેક્ટસની ખેતી

0
69

થોર’, ‘થોરડા’નાંનામથી જાણીતી આ કાંટાળી વનસ્પતિ ક્યારેય માનવજીવન માટે અત્યંત ફાયદાકારક હોય તેવુ માની શકાય ખરું?જે કાંટાળા થોરને ખેડૂતો પોતાની વાડમાંથી પણ હટાવી રહ્યાં છે. તે કાંટાળા થોરની અનેક જાતોને રોપીને કોઈ તેની ખેતી કરે ખરું?જામનગર બાદનપરના ખેડૂત અને વર્ષો સુધી ગુજરાત સરકારમાં પશુ ડોકટર તરીકે સેવા આપનાર ડો.બોડાએ આવી ખેતી કરનાર એક અનોખા કૃષક બન્યા છે.

ખેડૂત પરિવારમાંથી આવતા ડો.વસરામ બોડાએ વર્ષો સુધી પશુઓના ડોકટર તરીકે સેવા આપી,ખેતી સાથે જોડાયેલી તેમની આત્માના કારણે સ્વૈચ્છિક નિવૃતિ લઈ વર્ષોથી ખેતી કરતા વસરામભાઈને કેક્ટસ અને તેના ગુણો વિશે જાણવાની અત્યંત જિજ્ઞાસા અને કુતુહલતા હતી. આ દરમિયાનમાં કેક્ટસ અંગે તેમની સંશોધનવૃતિ કેળવાઇ હતી.તેમણે કેક્ટસની અનેક જાતો પર પ્રયોગો કરી તેમને વિકસાવી ભારતીય મુળ સિવાયની બહારની જાતો પણ તેમણે ભારતમાં અમદાવાદ ખાતે તેમના તત્કાલીન નિવાસીય શહેરમાં રોપી,પરંતુ આ સાથે જ તેઓ જ્યારે પોતાના વતન બાદનપર જોડીયા આવ્યાં ત્યાર પહેલા તેમણે કેક્ટસના નિષ્ણાંત હોવાથી જામનગર ધ્રોલના શહિદવન ખાતે તેનું વાવેતર કર્યું અને વાતાવરણના ફેરફાર સાથે કેક્ટસના વિકાસમાં અચંબિત કરનાર હકારાત્મક પરિણામો તેમને મળ્યાં.

આ પરિણામો સાથે તેઓ બાદનપર જોડીયા ખાતે પુન:વસવાટ કરી પોતાની જમીનમાં કોમર્શીયલ કેક્ટસનુ નિર્માણ કર્યુ છે. કેક્ટસની ૬૦૦ જેટલી જાતો હાલ તેઓએ ભારતમાં બાદનપર ખાતે ઉગાડી છે. આ જાતોમાં મહત્તમ ભારતીય મૂળ સિવાયની જાતો છે. જેમાં નોર્થ,સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાની,ઈન્ડોનેશીયાની,જાપાનની, ‘મ્યુટેડ’જાતો,સાઉથ આફ્રિકાની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. આ ખેતી માટે જમીન અને વિવિધ જાતોને બહારના દેશમાંથી મંગાવી તેનુ રોપણ,તેને વિકસવા માટે ૩ ફુટ ઉંચા બેડ તેની ખાધ,ગ્રીન હાઉસ વગેરે માટે ડો.બોડાએ અંદાજીત ૧ કરોડનો ખર્ચ કર્યો છે.

ડો.બોડાના ખેતરમાં કેક્ટસ સાથે જ ઓર્ગેનિક આંબાની ખેતી પણ કરવામાં આવે છે. સંપૂર્ણ ખેતરમાં કુલ ૬૦ કેસર કેરીના આંબા છે.જેમાં સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી કેરીનો પાક લેવાય છે. કેક્ટસની ખેતી કરતા ડો.બોડા અન્ય ખેડૂતોને પણ સંદેશ આપતા કહે છે કે, ‘થોર’ને વાસ્તુશાસ્ત્રએ આપણી સમક્ષ ખરાબ દર્શાવ્યા છે. પરંતુ તેમાં રહેલા અનેક ઔષધીય ગુણો,જેવા કે હિમોગ્લોબીનમાં વધારો,ગંભીર પ્રકારના સોજા મટાવવા વગેરે માનવજાત માટે અતિમુલ્યવાન છે.આ ગુણો સાથે ખુબ જ ઓછા પાણી,નાની જગ્યા અને ઓછી સંભાળ સાથે તેને ઉછેરીને સ્વચ્છ પ્રાણવાયુ મેળવી શકાય છે,જે દમના દર્દીઓને માટે આશીર્વાદરૂપ છે. આથી જ જુની પરંપરા મુજબ ફરીથી ખેડૂતોએ થોરને પોતાના વાડ વિસ્તારમાં સ્થાન આપવુ જોઈએ. નાગફેણ જેવા થોર જે તે ઘરના નાના કુંડામાં વાવી શકાય અને ઘરમાં વપરાયેલા રંગ,ડિટરર્જન્ટ વગેરે જેવી વસ્તુઓના વપરાશ થકી ઉત્પન્ન થતાં ટોક્સિન(ઝેર)ને પણ તે શોષી અને પર્યાવરણને સ્વચ્છ બનાવે છે જેનાથી હાલમાં પ્રદુષણનુ પ્રમાણ જે વધી રહ્યું છે તેનુ સ્તર પણ નીચુ લાવવામાં આ કેક્ટસ (થોર) આશીર્વાદરૂપ બની શકે છે.તો વધુમાં વધુ લોકો તેના સારા ગુણોને ઓળખી તેનો લાભ લઈ તંદુરસ્ત જીવન જીવે તે સંકલ્પ સાથે આ ફાર્મ બનાવવાનો ઉદ્દેશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here