જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીએ મારા પર પહેલાં કરતા પણ વધારે વિશ્વાસ અને પ્યાર મૂક્યો છે. મને ખબર છે કે તમારામાંના પણ અનેક સાથીઓનું આ જનમતમાં યોગદાન રહ્યું છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ ગામમાં જૂના મિત્રોને પત્રો લખ્યા અને ઈમેલ મોકલ્યા. તમે અહીં બેસીને પણ અમારા કામનું વધારે સારું આકલન કરો છો. ચૂંટણીમાં યોગદાન આપવા બદલ જાપાનના ભારતવંશીઓનો આભાર માનતા મોદીએ કહ્યું કે ઘણી વાર સ્ટેડિયમમાં બેસીને મેચ જોતા હોઈએ ત્યારે ખબર પડે છે ભૂલ ક્યાં થઈ, આઉટ કેવી રીતે થયા. તેથી તમે જ્યારે દૂર બેસીને મેચ જુઓ છે તેથી તમને વધારે જાણકારી હોય છે. મોદીએ કહ્યું કે ૩ દાયકા બાદ પહેલી વાર લગાતાર બીજી વાર પૂર્ણ બહુમતીવાળી સરકાર બની છે. ૬૧ કરોડ મતદાતાઓએ ૪૦-૪૫ ડિગ્રી તાપમાનમાં પોતાના ઘેરથી દૂર જઈને વોટ આપ્યો. લોકશાહી પ્રત્યે ભારતના સામાન્ય જનની આસ્થા અડગ છે. ન્યૂ ઈન્ડિયાની આશા-આકાંક્ષાઓને આ જનાદેશ મળ્યો છે. આ જનાદેશ પૂરા વિશ્વની સાથે છે. ભારત જેવા વિશાળ દેશમાં આ સ્થિતિ સામાન્ય રહી છે. ૧૯૮૪માં પણ લગાતાર બીજી વાર એક પાર્ટીની બીજી વાર સરકાર બની હતી. તે સમયની હાલતને તમને ખબર છે. કારણ પણ ખબર છે. લોકો કેમ વોટ આપવા ગયા હતા. એની પણ તમને ખબર છે.
પીએમ મોદી ઓસાકાની સ્વિસોટેલ નાનકાઈ હોટેલમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. પીએમ મોદીએ બાળકો સાથે હાથ મિલાવ્યા હતા અને કેટલાક બાળકોના ગાલ પર હળવી ટપલી મારી હતી. પીએમે સમુદાયના લોકો સાથે હાથ મિલાવ્યા હતા તથા તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. કેટલાક લોકોએ પીએમ સાથે સેલ્ફી પણ પડાવી હતી.
મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન કુબેર અને મહાકાલની જાપાનમાં પૂજા કરવામાં આવે છે : વડા પ્રધાન
આ બાપુની ૧૫૦ મી જયંતીનું પણ વર્ષ છે. ગાંધીજીની એક શિખામણ હતી કે ખોટું ન જુઓ, ખોટું ન સાંભળો અને ખોટું ન બોલો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જે ત્રણ વાંદરાઓને બાપુએ આ સંદેશ માટે પસંદ કર્યા, તેમના જન્મદાતા ૭૦મી સદીનું જાપાન હતું. મોદીએ કહ્યું કે ક્યોટામાં ગિયોન તહેવાર આવનાર છે તેમાં જે રથનો ઉપયોગ થાય છે તેની સજાવટ ભારતીય રેશમના ધાગામાંથી થાય છે. આ પરંપરા આજની નથી, અગણિત વર્ષોથી ચાલી આવે છે. ૭ ગોડ ઓફ ફોર્ચ્યૂન છે તેમાંથી ૪ નો સંબંધ ભારત સાથે છે. મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન કુબેર અને મહાકાળની જાપાનમાં ભગવાન તરીકે માન્યતા છે. પીએમ મોદીના ભાષણ પૂરું થયા બાદ હોલમાં જય શ્રી રામ અને વંદે માતરમ્ અને મોદી-મોદીના નારા લાગ્યા હતા.
૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સ અમારો ધ્યેય
પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે આગામી પાંચ વર્ષમાં અમે ભારતને ૫ ટ્રિલિયન ઈકોનોમી બનાવવા માંગીએ છીએ અને ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સ અમારો ધ્યેય છે. ડિજિટલ સાક્ષરતા વધી રહી છે અને રેકોર્ડબ્રેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું છે. ભારતની ૧૩૦ કરોડ જનતાના જીવનને આસાન બનાવવા માટે સસ્તી અને સુલભ સ્પેસ ટેકનોલોજી અમારું લક્ષ્ય છે. અમે ૨૦૨૨ સુધી અમારૂ પોતાનું મેન્ડ મિશન ગગનયાન મોકલવાની તૈયારીમાં છે.
બંને દેશના સંબંધના મૂળમાં સદ્ભાવના છે
પીએમ મોદીએ કહ્યું કે ભારતના સંબંધોમાં જાપાનનું મુખ્ય સ્થાન રહ્યું છે. જાપાન-ભારતના સંબંધો સદીઓ જૂના છે. દુનિયા સાથેના ભારતના સંબંધોમાં જાપાન એક મુખ્ય સ્થાન છે. આ સંબંધ સદીઓ જૂનો છે. તેના મૂળમાં આત્મીયતા, સદભાવના રહેલી છે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સબકા સાથ, સબકા વિકાસ અને તેમાં લોકોએ ભેળવ્યું સબકા વિશ્વાસ. અમે આ મંત્રથી આગળ વધી રહ્યાં છીએ. ભારત મજબૂત બનશે.પીએમ મોદીએ કહ્યું કે જાપાન અને ભારત બન્ને દેશો સેવાને સૌથી મોટો ધર્મ માને છે. વિવેકાનંદ, ટાગોર, સુભાષચંદ્ર બોસ અને મહાત્મા ગાંધી સહિતના ભારતીયોએ જાપાન અને ભારતના સંબંધો મજબૂત કર્યાં. જાપાનના મનમાં પણ ભારત માટે પ્યાર છે.