જાપાન : ગેમ્સના ખર્ચમાં અર્થતંત્રના 0.3 ટકાથી પણ ઓછું નુકસાન

0
0

જાપાનની રાજધાની ટોક્યોમાં ત્રણ દિવસ પછી ઓલિમ્પિક શરૂ થશે. નોમુરા એનાલિસિસ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા કોરોનાથી પ્રભાવિત ઓલિમ્પિક રદ થવાથી જાપાનને 2 લાખ કરોડનું નુકસાન જણાવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકની જ્યારે યજમાની મળી ત્યારે આયોજકોને અનુમાન હતું કે, અહીં આવનારા ફેન્સ લગભગ રૂ.15 હાજર કરોડનો ખર્ચ કરશે.

રોઈટર્સ અનુસાર, જો ગેમ્સ ન યોજાતા તો પણ જાપાનને તેના અર્થતંત્રના લગભગ 0.33%નું જ નુકસાન થતું, હવે તેનાથી પણ ઓછું થશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) અનુસાર ઓલિમ્પિકના રદ થવાથી પણ જાપાનના અર્થતંત્રને વધુ નુકસાન થતું નહીં. જોકે, સરકારને નાની ફર્મોની મદદ કરવી પડતી.

આઈએમએફના એશિયા અને પેસિફિકના નાયબ નિદેશક ઓડ બ્રેકે કહ્યું કે, ‘ઓલિમ્પિક માટેની યોજનાઓમાં પરિવર્તનની આગામી સમયમાં જાપાન પર મર્યાદિત અસર થશે, કેમકે તેનું અર્થતંત્ર મોટું અને વિવિધ છે.’ એક્સપર્ટ્સ ઓલિમ્પિકને જાપાન માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે માને છે. જો ઓલિમ્પિક પછી કોરોના વધશે તો અર્થતંત્રને નુકસાન થશે.

યજમાનને ફાયદો નહીં કેમકે મોટા ભાગની કંપનીઓ ઈન્ટરનેશનલ
ઓલિમ્પિક માટે શહેરમાં મોટા સ્ટેડિયમ, હોટલ, રેસ્ટોરન્ટ બનાવાય છે. જોકે, તેનો ફાયદો યજમાનને થતો નથી, કેમકે તેનું નિર્માણ કરતી મોટાભાગની કંપનીઓ ઈન્ટરનેશનલ હોય છે. યજમાની કરતા શહેરો માટે રોજગાર એટલા વધતા નથી, જેટલું અનુમાન હોય છે. 2002 સોલ્ટ લેક સિટી વિન્ટર ઓલિમ્પિક દરમિયાન માત્ર 7,000 નોકરીઓ વધી હતી. રમતો માટે બનેલા સ્ટેડિયમની જાળવણી પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ થાય છે. સિડની સ્ટેડિયમ પાછળ દર વર્ષે 200 કરોડથી વધુનો ખર્ચ છે.

માત્ર 1984માં યજમાન લોસ એન્જેલિસને ફાયદો થયો હતો, કેમકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ થયો ન હતો
1984 ઓલિમ્પિકની યજમાની અમેરિકાના લોસ એન્જેલિસ શહેર પાસે હતી. તેને આયોજન દ્વારા લગભગ 250 મિલિયન ડોલરનો ફાયદો થયો હતો. જેનું મુખ્ય કારણ તેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધુ ખર્ચ કરવો પડ્યો ન હતો. કેમકે, લોસ એન્જેલિસ પહેલાથી જ વિકસિત શહેર હતું. તેમણે માત્ર બે સ્ટેડિયમ બનાવ્યા હતા. બાકીની ઈવેન્ટ અગાઉથી બનેલા સ્ટેડિયમમાં યોજાઈ હતી. સોવિયત યુનિયન દ્વારા બહિષ્કાર કરવાને કારણે એથ્લીટ અને ઈન્ટરનેશનલ ગેસ્ટની સંખ્યા ઓછી હતી. જેના કારણે ઓછા ખર્ચે ઓલિમ્પિકનું આયોજન થયું હતું.

ઓલિમ્પિક નુકસાનનો સોદો, યજમાની પછી દાયકાઓ સુધી શહેર આર્થિક મંદીનો સામનો કરે છે
ઓલિમ્પિક યજમાનો માટે નુકસાનનો સોદો છે. 1976 ઓલિમ્પિકની યજમાની કેનેડાના મેન્ટ્રિયલ શહેર પાસે હતી. યજમાની પછી તેના માથે 1.5 બિલિયન ડોલરનું દેવું થયું હતું. તે 2006માં દેવામાંથી બહાર આવ્યું હતું. 2004 એથેન્સ ઓલિમ્પિકે ગ્રીસને 14.5 બિલિયન ડોલરના દેવામાં ડૂબાડ્યું હતું. દેશ પહેલાથી જ આર્થિક મંદીનો સામનો કરતું હતું. બીજિંગ અને લંડનને પણ આયોજનથી નુકસાન થયું હતું. રિયોનું અંદાજિત બજેટ લગભગ રૂ. 65 હજાર કરોડ હતું અને ખર્ચ લગભગ રૂ.98 હજાર કરોડ થયો. તેમને લગભગ રૂ.14 હજાર કરોડનું નુકસાન થયું, જે અત્યાર સુધીનું સૌથી મોટું છે.

યજમાની માટે પાંચ શહેરે દાવો કર્યો હતો, ત્રણે હાથ પાછો ખેંચ્યો
2024 અને 2028 ઓલિમ્પિક માટે 5 શહેરોએ દાવેદારી રજૂ કરી હતી. જેમાં પેરિસ, લોસ એન્જેલિસ, બુડાપેસ્ટ, હેમ્સબર્ગ અને રોમ સામેલ હતા. જોકે, જનમત સંગ્રહ અને આર્થિક નુકસાનની સંભાવનાને કારણે બુડાપેસ્ટ, હેમ્સબર્ગ અને રોમે નામ પાછા ખેંચ્યા હતા. પછી પેરિસને 2024 અને લોસ એન્જેલિસને 2028 ઓલિમ્પિકની યજમાની મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here