Friday, September 17, 2021
Homeઅમદાવાદમાં રિવરફ્રન્ટ પર હવે જાપાનીઝ સ્ટાઇલથી વોચઃ કોબાનચોકીઓ ઊભી કરાશે
Array

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હવે જાપાનીઝ સ્ટાઇલથી વોચઃ કોબાનચોકીઓ ઊભી કરાશે

શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતી લુખ્ખાગીરી જેવા અનેક કિસ્સા વધી રહ્યા છે. જેને રોકવા માટે પોલીસ હવે સેગવે અને પોલોકાર પર સતત પેટ્રોલિંગ કરશે. પૂર્વ અને પશ્વિમ રિવરફ્રન્ટ વોકવે પર પોલીસનું પેટ્રોલિંગ કરવું મુશ્કેલ હોવાના કારણે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સેગવે અને પોલોકાર ખરીદવાનું નક્કી કર્યુ છે. આ ઉપરાંત જાપાનમાં જોવા મળતી કોબાન ચોકી પણ રિવરફન્ટ્રની બન્ને બાજુમાં બનાવવામાં આવશે. જે સીસીટીવી સર્વેલન્સથી સજ્જ હશે. આ ચોકીમાંથી બે કિલોમીટર સુધી મોનિટરિંગ થઇ શકશે. રિવરફ્રન્ટ પર ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવા કેમેરા ગોઠવવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવે છે રિવરફ્રન્ટ ગાર્ડન, ફ્લાવર્સ પાર્કની મજા માણે છે. પરંતુ તેનાથી રિવરફ્રન્ટ પર આવતા લોકોની સુરક્ષાએ તંત્ર માટે એક મોટો સવાલ ઊભો થયો છે. રિવરફ્રન્ટ પર જાહેરમાં છેડતી થવી, અશ્લીલ ચેનચાળા કરવા, અને રોમિયો તેમજ લુખ્ખાં તત્ત્વોએ હદે વધી ગયા છે કે લોકો ફરવા માટે આવે તે પહેલાં દસ વખત વિચાર કરે છે.

લોકો ચિંતામુક્ત હરી ફરી શકે, અશ્લીલ હરકતો કરતાં કપલો પર રોક આવી શકે તેમજ લુખ્ખાં તત્ત્વો પર નજર રાખવા માટે નિર્ભયા પ્રોજેક્ટ અતર્ગત રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્વિમના વોકવે પર સેગવે તેમજ પોલોકારથી પોલીસ પેટ્રોલિંગ કરશે. કાલુપુર રેલવે સ્ટેશનની આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સે) થોડાક સમય પહેલા સેગવે વસાવ્યું હતું.

તેવી જ રીતે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સેગવે વસાવશે. જેમાં પોલીસ ગણતરીની મિનિટોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઇ શકશે. બન્ને બાજુમાં ૨૦ કરતા વધુ સેગવે અને પોલોકાર આવશે. તો બીજી તરફ પોલીસ રિવરફ્રન્ટના તમામ ખૂણેથી વોચ રાખી શકે તે માટે કોબાન ટાવર (કોબાન ચોકી) પણ બનાવવાની છે.

કોબાન ચોકી જાપાનમાં પ્રચલિત છે. કોબાન કન્ટ્રોલ રૂમના ફોન પણ રહેશે તથા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ રહેશે. કોબાનમાં પોલીસ બેસીને અંદાજે બે કિલોમીટર સુધીના એરિયામાં વોચ કરી શકશે. રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠે ૧૦ કરતા વધુ કોબાન ચોકી લગાવવાનું આયોજન છે. નિભર્યા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ એફઆરએસ (ફેશિયલ રેકગનિશન સિસ્ટમ) વાળા કેમેરા લગાવા જઇ રહી છે જે ગુનેગારો અને પોલીસ ચોપડે નોધાયેલાં તત્ત્વોને ફેસ ડિટેક્ટ કરશે.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.સિંધે જણાવ્યું છે કે પોલીસ પેટ્રોલિંગ કરી શકે તે માટે પોલો કાર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોબાન ચોકીની કામગીરી પણ જલદી શરૂ થશે.

ઉલેલ્ખનીય છે કે લવર્સ પોઈન્ટ તરીકે ફેમસ થયેલી રિવરફ્રન્ટ પર બીભત્સ હરકતો કરતાં કપલો તેમજ પ્રેમીયુગલો વિરુદ્ધમાં ઝડપી કાર્યવાહી થશે. આ સિવાય રિવરફ્રન્ટનો િવસ્તાર એટલો મોટો છે કે કોઈપણ લોકો આસાનીથી દારૂની પાર્ટી કરી શકે છે.

જેને રોકવા માટે સીસીટીવી સર્વેલન્સ કેમેરા મહત્ત્વનો ભાગ ભજવે છે. સાબરમતી નદીમાં દિવસને દિવસે આત્મહત્યાના બનાવો સતત પ્રમાણમાં વધી રહ્યા છે. જેને રોકવા માટે પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ તહેનાત તો છે પણ આ બનાવોને અટકાવી શકાતા નથી.

જો કોઈ વ્યક્તિ બ્રિજ પરથી કે વોકવે પરથી આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવશે તો તરત જ સેગવે પોકોકાર તેમજ કોબાન ચોકી અને સીસીટીવી સર્વેના આધારે પોલીસની મદદ મળશે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નદીમાં પોલીસ પેટ્રોલિંગ કરી શકે તે માટે સ્પીડ બોટ પણ વસાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments