23 ફેબ્રુઆરીએ રવિયોગમાં જયા એકાદશી વ્રત ઊજવાશે : આ વ્રત કરવાથી દુઃખ-દરિદ્રતા અને કષ્ટને દૂર થાય છે

0
25

હિંદુ પંચાંગ પ્રમાણે જયા એકાદશી દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષમાં આવે છે. આ વખતે જયા એકાદશી 23 ફેબ્રુઆરી 2021ના રોજ છે. જયા એકાદશીને ખૂબ જ પુણ્યદાયી અને કલ્યાણકારી માનવામાં આવે છે. હિંદુ માન્યતાઓ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ ખરાબ યોનિ એટલે ભૂત પિશાચની યોનિમાં જન્મ લેતો નથી. એટલું જ નહીં, આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના બધા પાપનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સંપત્તિ આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે દુઃખ, દરિદ્રતા અને કષ્ટને દૂર કરવા માટે જયા એકાદશીનું વ્રત કરવું સર્વોત્તમ સાધન છે. આ દિવસે રવિયોગ અને ત્રિપુષ્કર યોગ પણ રહેશે.

જયા એકાદશી મુહૂર્ત

  • એકાદશી તિથિ શરૂઃ 22 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 5 વાગીને 16 મિનિટ
  • એકાદશી તિથિ પૂર્ણઃ 23 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 6 વાગીને 05 મિનિટ સુધી
  • પારણાનો સમયઃ 24 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 6 વાગીને 51 મિનિટથી 9 વાગીને 09 મિનિટ સુધી

જયા એકાદશી વ્રતનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં મહા સુદ પક્ષમાં આવતી જયા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી મનુષ્ય બ્રહ્મ પાપમાંથી મુક્ત થઇને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ વ્રતના પ્રભાવથી ભૂત, પિશાચ વગેરે યોનિઓથી પણ મુક્ત થઇ જાય છે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ ખરાબ યોનિમાંથી છૂટી જાય છે. કહેવાય છે કે જે વ્યક્તિએ આ એકાદશીનું વ્રત કર્યું છે તેમણે યજ્ઞ, જાપ, દાન વગેરે કરી લીધું હોય તેવું માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ પ્રમાણે જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તેઓ હજાર વર્ષ સુધી સ્વર્ગમાં વાસ કરે છે.

જયા એકાદશી વ્રતની પૂજા વિધિ

એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું અને પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. તે પછી વ્રતનો સંકલ્પ લેવો.

હવે ઘરના મંદિરમાં એક બાજોટમાં લાલ કપડું પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો.

હવે એક કળશમાં ગંગાજળ લેવું અને તેમાં તલ, નાડાછડી અને ચોખા મિક્સ કરો.

તે પછી આ કળશથી પાણીના થોડા ટીપા લઇને ચારેય બાજુ છાંટવું. અને આ કળશની ઘટ સ્થાપના કરવી.

હવે ભગવાન વિષ્ણુ સામે ધૂપ-દીપ પ્રગટાવી તેમને ફૂલ અર્પણ કરો.

હવે ઘીના દીવાથી વિષ્ણુજીની આરતી ઉતારો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો

તે પછી શ્રીહરિ વિષ્ણુજીને તલનો ભોગ ધરાવો અને તેમાં તુલસીનો ઉપયોગ કરવો.

આ દિવસે તલનું દાન કરવું શુભ મનાય છે.

સાંજના સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરી ફળાહાર ગ્રહણ કરો.

બીજા દિવસે એટલે બારસના દિવસે સવારે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવો અને દાન-દક્ષિણા આપીને વિદાય આપો. તે પછી વ્રતીએ પણ ભોજન ગ્રહણ કરીને વ્રતનું પારણ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here