જ્હોન અબ્રાહમની ‘મુંબઈ સાગા’, રણબીર-સંજય દત્તની ‘શમશેરા’નું શૂટિંગ ટૂંકમાં શરૂ થશે

0
8

મુંબઈ. કોરોનાવાઈરસને કારણે 19 માર્ચથી ટીવી તથા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ બંધ છે. ત્યારબાદ દેશમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે, સરકારે લૉકડાઉન ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું છે. સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. ટીવીના શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. બોલિવૂડ પણ હવે ધીમે ધીમે શૂટિંગ કરવાનું વિચારી રહ્યું છે. સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’નું શૂટિંગ જુલાઈમાં હૈદરાબાદમાં કરવામાં આવશે.

12 દિવસનું શૂટિંગ બાકી છે

એક્શન પેક્ડ આ ફિલ્મનુ શૂટિંગ લૉકડાઉન પહેલાં મુંબઈના રિયલ લોકેશનમાં થતું હતું. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મનું 12 દિવસનું શૂટિંગ બાકી છે અને હવે આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ટેકનિકલ સ્ટાફ તથા ક્રૂ મેમ્બરની મદદથી રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરશે. શૂટિંગ સ્ટૂડિયોમાં જ કરવાનું હોવાથી જોખમ ઘટી જશે. અહીંયા બાર દિવસનું શૂટિંગ કરવામાં આવશે. લૉકડાઉન દરમિયાન ઘરેથી જ ફિલ્મનું એડિટિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મને તૈયાર થતાં હજી ચાર મહિનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, જેકી શ્રોફ, રોહિત રોય તથા ગુલશન ગ્રોવર જેવા કલાકારો છે.

રણબીર-સંજય દત્તની ફિલ્મનું શૂટિંગ શરૂ થશે

તો બીજી બાજુ, સંજય દત્ત તથા રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’નું અંદાજે ચાર દિવસનું પેચઅપ વર્ક બાકી છે. ફિલ્મના ડિરેક્ટર કરન મલ્હોત્રા તથા તેની ટીમે લૉકડાઉન દરમિયાન પોસ્ટ પ્રોડક્શનનું કામ કર્યું હતું. આ ફિલ્મને યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ચાર દિવસનું શૂટિંગ યશરાજ સ્ટૂડિયોમાં જ કરવામાં આવશે અને ઓછામાં ઓછા ક્રૂ મેમ્બર્સને સેટ પર બોલાવવામાં આવશે. યશરાજ બેનરે હાલમાં પ્રોડ્યૂસર્સ ગિલ્ડ પાસે શૂટિંગની પરવાનગી માગી છે અને આ પરવાનગી મળ્યાં બાદ શૂટિંગની તારીખ નક્કી કરવામાં આવશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ છે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર જુલાઈમાં ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગ માટે લંડન જવાનો છે. સલમાન ખાન ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પણ આવતા મહિને શરૂ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં એક ગીતનું શૂટિંગ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here