જૂનાગઢ: જૂનાગઢ મનપાની ચૂંટણી 21 જુલાઇના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણીને લઇને આજે જૂનાગઢમાં ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઇ હતી. જેમાં વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતા અને જીતનો દાવો કર્યો હતો. લોકસભા બાદ સીએમના પત્નીએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની કમાન હાથમાં લીધી છે. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપે 15 વોર્ડનાં 60 કોર્પોરેટરોની યાદી જાહેર કરી છે. જેમાં 30 મહિલા અને 30 પુરૂષ ઉમેદવાર છે. ભાજપે કેટલાક નવા ચહેરાઓ પણ મેદાને ઉતાર્યા છે. તો છાપેલા કાટલાઓને રિપીટ કર્યા છે. એટલું જ નહીં જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જેમાં ક્યાંયને ક્યાંય શાસકોએ પણ આંખ આડા કાન કર્યા છે. આવા શાસકોનો ચૂંટણી જાહેર થયા સાથે જ વિરોધ ઉઠ્યો હતો. છતાં પણ સ્થાનિક નેતાગીરી સામે ભાજપની પ્રદેશ નેતાગીરીને અંતે નાકલીટી તાણી ઝુંકવું પડ્યું છે. જેનો વિરોધ હતો તેવા જ કોર્પોરેટરોને ફરી મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં વિધાનસભામાં હારેલા ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને પણ ભાજપે વોર્ડ નંબર 11માંથી ટિકીટ આપી છે. તો વોર્ડ નંબર 7માં સીમાબેન પિપલીયાને ટિકીટ આપતા વોર્ડનાં લોકોએ વિરોધ કર્યો છે. આયાતી ઉમેદવારને સામે વિરોધનો વંટોળ ફુંકાયો છે. ભાજપે 23 કોર્પોરેટરોને રિપીટ કર્યા છે અને 2 કોર્પોરેટરનાં પત્નીને ટિકીટ આપી છે. જ્યારે 35 નવા ચહેરા મેદાને ઉતાર્યા છે.
વોર્ડ વાઇઝ ભાજપના ઉમેદવાર
વોર્ડ નં.1માં લાભુબેન મોકરીયા, શોભનાબેન પીઠીયા, અશોકકુમાર ચાવડા અને નટુભાઇ પટોળીયા. વોર્ડ નં. 2માં સમીનાબેન સાંધ, સુમિતાબેન વાઘેલા, કિરીટભાઇ ભીંભા અને લલીતભાઇ સુવાગીયા. વોર્ડ નં. 3માં મુમતાજબેન સમા, શરીફાબેન કુરેશી, ભરતભાઇ કારેણા અને અબ્બાસભાઇ કુરેશી વોર્ડ નં. 4માં પ્રફુલાબેન હસમુખ ખેરાળા, ભગવતીબેન પુરોહિત, હરેશભાઇ પરસાણા અને ધર્મેશ પોશીયા. વોર્ડ નં. 5માં રેખાબેન ત્રાંબડીયા, શિલ્પાબેન જોષી, રાકેશભાઇ ધુલેશીયા અને જયેશભાઇ ધોરાજીયા. વોર્ડ નં. 6માં કુસુમબેન અકબરી, શાંતાબેન મોકરીયા, ગોપાલભાઇ રાખોલીયા અને હાસાનંદ (રાજુ) નંદવાણી. વોર્ડ નં.7માં સીમાબેન પીપળીયા, સરલાબેન સોઢા, સંજયભાઇ કોરડીયા અને હિંમાંશુભાઇ પંડ્યા. વોર્ડ નં.8માં કૌશરબેન જુનેજા, જુબેદાબાનુ સોરઠીયા, ચંદ્રેશભાઇ હેરમા અને અબુમીંયા ચિસ્તી. વોર્ડ નં. 9માં ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, ધીરૂભાઇ ગોહેલ અને એભાભાઇ કટારા. વોર્ડ નં. 10માં દિવાળીબેન પરમાર, આરતીબેન જોષી, ગીરીશભાઇ કોટેચા અને હિતેન્દ્રભાઇ ઉદાણી. વોર્ડ નં. 11માં પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા, શશીકાંત ભીમાણી અને મહેન્દ્રભાઇ મશરૂ. વોર્ડ નં.12માં હર્ષાબેન ડાંગર, ઇલાબેન બાલસ, અરવિંદભાઇ ભલાણી અને પુનિતભાઇ શર્મા. વોર્ડ નં. 13માં ભાનુમતીબેન ટાંક, શારદાબેન પુરોહિત, વાલાભાઇ આમછેડા અને ધરમણભાઇ ડાંગર. વોર્ડ નં. 14માં કંચનબેન જાદવ, આદ્યશક્તિબેન મજમુદાર, બાલુભાઇ રાડા અને કિશોરભાઇ અજવાણી. વોર્ડ નં. 15માં મધુબેન ઓડેદરા, બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઇ સોલંકી અને ડાયાભાઇ કટારા.