જૂનાગઢ : મનપાની ચૂંટણીમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, કોંગ્રેસમાં ટિકિટ મેળવવા 400 દાવેદારો મેદાનમાં

0
0

જૂનાગઢ:મનપાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન શુક્રવારે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરાએ જણાવ્યું હતું કે, ધોરાજી રોડ સ્થિત સરદાર પટેલ ડે સ્કૂલ ખાતે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારના 10થી 1 સુધીમાં 1થી 7 વોર્ડના તેમજ બપોરના 2:30થી સાંજના 6 વાગ્યા સુધીમાં 8થી 15 વોર્ડના દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. માત્ર 60 બેઠકો માટે 400 દાવદારો મેદાનમાં ઉતાર્યા છે.

સંભવત: 1 જૂલાઇ પછી નામ જાહેર કરવામાં આવશે
પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા નિરીક્ષકો ડો. હેમાંગ વસાવડા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, એમ.કે.બ્લોચ, મહિલા કોંગ્રેસ મંત્રી કલ્પનાબેન જોષી વગેરે સમક્ષ 400થી વધુ દાવેદારોએ પોતાની વાત રજૂ કરી હતી. આમ, માત્ર 60 બેઠકો માટે 400 દાવેદારો રજૂ થયા છે. દરમિયાન કોંગ્રેસ નિરીક્ષકો તમામ નામોની યાદી લઇ ગાંધીનગર ખાતેની પેનલ સમક્ષ મુકશે બાદમાં નામ નક્કી કરવામાં આવશે. સંભવત: 1 જૂલાઇ પછી નામ જાહેર કરવામાં આવશે. જયારે સ્થાનિક કોંગ્રેસીઓએ ભીખાભાઇ જોષીને મેયર પદ આપવા અંગે કરેલી રજૂઆત અંગે પ્રદેશ લેવલે નિર્ણય કરવામાં આવશે. આ તકે વિનુભાઇ અમિપરા કે ભીખાભાઇ જોષી ચૂંટણી નહીં લડે તેવી પણ જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મનપાની ચૂંટણીના ઉમેદવારો 4 સ્થળે ફોર્મ ભરી શકશે
મનપાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ ચૂંટણી લડવા ઇચ્છુક સંભવિત ઉમેદવારો તૈયારીમાં પડ્યા છે. દરમિયાન આ વર્ષે 20માંથી 15 વોર્ડ કરવામાં આવ્યા હોય ઉમેદવારી પત્રકો ભરવા 4 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. 1થી 4 વોર્ડના ઉમેદવારો પોતાના ફોર્મ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની કચેરીમાં ભરી શકશે. જ્યારે 5થી 8 વોર્ડના ઉમેદવારો નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેસુલ વિભાગ, જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરી શકશે. વોર્ડ નંબર 9થી 12ના ઉમેદવારો ખાસ જમીન સંપાદન અધિકારી, કલેકટર કચેરી, ત્રીજા માળ ખાતે ફોર્મ ભરી શકશે. જયારે 13થી 15 વોર્ડના ઉમેદવારો નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી, કલેકટર કચેરી, ત્રીજા માળે ફોર્મ ભરી શકશે. 6 જુલાઇ સુધી સવારના 10:30થી બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. 8 જૂલાઇએ ફોર્મ ચકાસણી અને 9 જૂલાઇએ ફોર્મ પરત ખેંચી શકાશે.

કોઇની પણ શેહશરમ રાખ્યા વિના દરેક વોર્ડમાં રખાશે નજર
મનપાની ચૂંટણીનો જંગ જામવાનો છે ત્યારે આ ચૂંટણી દરમિયાન આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો અમલ થાય તે માટે ટીમ સજ્જ થઇ રહી છે. દરમિયાન પ્રાંત અધિકારી જવલંત રાવલના અધ્યક્ષસ્થાને ચૂંટણી આચાર સંહિતા અમલીકરણની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ટીમને કોઇની પણ શેહશરમ, ભય કે સંકોચ રાખ્યા વિના કામગીરી કરવા અંગે સૂચના અપાઇ હતી. તેમજ આચાર સંહિતા અમલીકરણમાં શું શું કાળજી રાખવાની હોય, આચાર સંહિતા ભંગ જણાયે શું કાર્યવાહી કરવાની હોય તે અંગે માહિતી આપવામાં આવી હતી. આચાર સંહિતા અમલીકરણના નોડલ ઓફિસર તરીકે મનપાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમ 1 થી 15 વોર્ડમાં જઇ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે અંગેની કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here