જૂનાગઢ:કોલેજ રોડ પર આવેલા સ્વામી નારાયણ ગરૂકુળમાં રહેતા એક સ્વામીને એક શખ્સે મધરાત્રે વારંવાર ફોન કરી તમે બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો વિડીયો છે. કહી 5 લાખ રૂપિયા માંગ્યાની ફરીયાદ થતાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીએ સ્વામી પાસે 5 લાખની ખંડણી માંગી હતી
જૂનાગઢનાં કોલેજ રોડ પર આવેલા સ્વામી નારાયણ ગરૂકુળમાં રહેતો અને ધો. 9 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી મધરાત્રે ગુરૂકુળની કાળવાના વોંકળા તરફની દિવાલ ઠેકીને ભાગવાની કોશીષ કરતો હતો. એ વખતે એક શખ્સ નિકળ્યો હતો. તેણે વિદ્યાર્થીને બચાવી પોતાને ઘેર લઇ ગયો હતો. બાદમાં તેને ફોરવ્હીલમાં બેસાડી ખડીયા તરફ લઇ ગયો અને ત્યાંથી તેણે ગુરૂકુળનાં રાજુ ભગત ઉર્ફે ઋષિકેશસ્વામી ગુરૂ દેવકૃષ્ણસ્વામી (ઉ. 52)ને ફોન કરી પોતે પ્રતિક હરેશભાઇ અઢિયા (રે. જૂનાગઢ) હોવાનું કહી, એવી ધમકી આપી હતી કે, તમે છોકરા પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું એનો વિડીયો વાયરલ કરી દેશું કહી 5 લાખ રૂપિયા ખંડણી માંગી હતી. તેણે વિદ્યાર્થીના પિતાને પણ ફોન કરી ધમકી આપી હતી. તમારો દિકરો સંસ્થામાંથી ભાગી ગયો છે અને બીજા પાસે છે. આ વાત સ્વામીને કરતા નહીં. નહીંતર સવારે છોકરો નહીં હોય. જો કે રાજુ ભગતે પોલીસને જાણ કરી હતી અને પોલીસે છોકરાને છોડાવી પ્રતિકની ધરપકડ કરી હતી.
રાત્રે છોકરો પાછળના દરવાજેથી નીકળતો દેખાયો
રાજુ ભગતે ફરીયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પોતાને પ્રતિકનો ફોન આવતાં તેમણે પોતાના ગુરૂ દેવકૃષ્ણસ્વામીને જગાડ્યા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં વિદ્યાર્થી પાછળના દરવાજેથી કાળવાના વોકળા તરફના દરવાજે નિકળતો દેખાયો હતો.
વિદ્યાર્થીએ ભાગવાની કોશિશ શા માટે કરી?
વિદ્યાર્થીએ ગુરૂકુળની સ્કુલમાં ધો. 9 માં હજુ ગત તા. 9 જુન 2019નાં રોજ એડમિશન લીધું હતું. ગઇકાલે બપોરે તેના પિતા તેને મળવા પણ આવ્યા ત્યારે તેણે ઘેર જવાની જીદ કરતા તેના પિતાએ તેને સમજાવ્યો હતો કે, 7 મીએ વાલી સંમેલન છે. ત્યારે જો તને નહીં ફાવે તો ઘેર તેડી જઇશું.