અમદાવાદ : K.D. હોસ્પિટલમાં દેશના સૌથી લાંબા વ્યક્તિની હિપ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી

0
0

અમદાવાદ: દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકેનું બિરુદ મેળવનારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહની શહેરની K.D. હોસ્પિટલમાં બંને પગની હિપ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના લખનઉના પ્રતાપગઢના રહેવાસી છે. તેમની ઊંચાઈ 8 ફૂટ 1 ઇંચ છે. તેઓ વિશ્વ રેકોર્ડથી માત્ર બે ઇંચ નાના છે. ધર્મેન્દ્રસિંહનું સપનું હતું કે તેઓ સ્પોર્ટ્સમાં આગળ વધે પરંતુ અગાઉ નડેલા કાર અકસ્માતમાં તેમના થાપામાં થયેલી ઈજાના કારણે ઓપરેશન કરાવવું પડ્યું હતું.

ધર્મેન્દ્રસિંહને અસાધારણ ઊંચાઈ વારસાઈ મળી છે
ધર્મેન્દ્રસિંહના ઘરમાં 8 સભ્યો, જેમાં પહેલા તેમના પિતાની 6 ફૂટ, તેમના નાનાની ઊંચાઈ 7.6 ફૂટ હતી. ધર્મેન્દ્રસિંહને ચંપલ 20 નંબરના જોઈએ છે. તેમના કપડા માટે 10 મીટર કાપડની જરૂરિયાત પડતી હોય છે. તેમનો માસિક ખર્ચ જ 30-35 હજાર થઇ જાય છે. જ્યારે ધર્મેન્દ્રસિંહની લંબાઈ અચાનક વધવા લાગી ત્યારે પરિવારજનોએ ડૉક્ટરને બતાવ્યુ હતુ. જોકે, ધર્મેન્દ્રસિંહની અચાનક વધતી લંબાઇ વિશે ડૉક્ટરને પણ કઈ સમજાતું ન હતું.

લખનઉના સર્જને સર્જરી કરવાની ના પાડી હતી
ધર્મેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યુ હતુ કે, 6 વર્ષ પહેલાં અકસ્માતમાં ડાબા થાપાનું ફ્રેક્ચર થયા બાદ પ્લેટ નાખવા અને કાઢવા માટે બે સર્જરી થઈ હતી. ધીમે ધીમે બંને થાપાનાં હાડકાંમાં તકલીફ વધતા ચાલવાનું ઓછું થયું અને પથારીમાંથી ઊઠી શકાતું નહોતું, જેથી લખનઉના સર્જને સર્જરી કરવાની ના પાડી હતી, પણ અમદાવાદની કે. ડી. હોસ્પિટલનાં સર્જનોની ટીમે વિશેષ પ્રકારનાં થાપાના સાંધા મગાવીને મારા બંને થાપાની નિ:શુલ્ક સર્જરી કરતાં હું ફરીથી ચાલતો થયો છું.’ મને લખનઉમાં સર્જને સર્જરી કરવાની ના પાડી ત્યારે હું ભાંગી પડ્યો હતો, બીજી બાજુ મારી આર્થિક સ્થિતિ સારી ન હતી, જેથી મેં નેટ પર સર્ચ કરતાં અમદાવાદની કે. ડી. હોસ્પિટલમાં થાપાના નિષ્ણાત સર્જન ડો. અતીત શર્મા, ડો. અમીર સંઘવી, ડો. ચિરાગ પટેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. કે.ડી. હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરતાં તેમણે તમામ મદદ કરવાની હા પાડીને સફળ નિ:શુલ્ક સર્જરી કરી છે. મારા ઘૂંટણનાં બંને સાંધા ખરાબ છે, તેની પણ હોસ્પિટલ દ્વારા સર્જરી કરાશે.

બેડ, ઓપરેશન ટેબલ અને ફિઝિયોથેરાપી માટે ખાસ વ્યવસ્થા
જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અતીત શર્માના જણાવ્યા અનુસાર દર્દીની ઊંચાઈ 8 ફૂટ હોવાથી હોસ્પિટલમાં બેડ, ઓપરેશન ટેબલ, એનેસ્થેસિયા, ફિઝિયોથેરાપીની વ્યવસ્થા વધારવાની ચૅલેન્જ હતી. દર્દીને ઓસ્ટિયોપોરોસીસ હોવાથી સર્જરીમાં વિશેષ તકેદારી જરૂરી હતી તેમ જ જમણી-ડાબી બાજુના એસિટાબ્યુલર કપ 52થી 54ને બદલે 68થી 70ના, જ્યારે ફેડરલ હેડ અને સ્ટેમની સાઇઝ 12થી 14ને બદલે 16ની સાઇઝના ઉપયોગમાં લેવાયા. ચેન્નઈથી આ તમામ પાર્ટ મગાવવા પડ્યા હતા. સામાન્ય વ્યક્તિની 35થી 40 મિનિટમાં થાય છે, પણ આ સર્જરી અઢી કલાકમાં પૂર્ણ થઈ હતી. દેશની સૌથી ઊંચી વ્યક્તિની અમે થાપાની સર્જરી નિ:શુલ્ક કરી છે અને હવે ઘૂંટણની સર્જરી પણ કરીશું.

ગ્રોથ ર્હોમોન્સ ડિસ્ટર્બ થતાં તકલીફ થઈ
દર્દીની અસામાન્ય ઊંચાઈ પાછળ એક્રેમેગલી ર્હોમોન્સ જવાબદાર હોય છે. આ એક પ્રકારનો ગ્રોથ ર્હોમોન્સ છે, જે ડિસ્ટર્બ થતાં વ્યક્તિની ઊંચાઈ અસામાન્ય રીતે વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here