Home મહેસાણા મહેસાણા : કડી પોલીસ સ્ટેશન દારૂ કાંડ મામલે ચોંકાવનારી વિગતો આવી સામે,...

મહેસાણા : કડી પોલીસ સ્ટેશન દારૂ કાંડ મામલે ચોંકાવનારી વિગતો આવી સામે, જાણો કેટલા લાખના મુદ્દામાલનો થયો છે ગફલો

0
77

કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાના કેસમાં આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કડી પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલની ગણતરીમા ચોંકાવનારી વિગતો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાના કુલ મુદ્દામાલ પૈકી ખૂટતી બોટલો 5974 રૂપિયા 12,14,338નો મુદ્દામાલ ઓછો મળી આવ્યો છે. રૂપિયા 3,09,700ની 1159 બોટલો કોઈ પણ ગુનામાં કબ્જે કર્યા વગરની વધારાની મળી આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ ચોંકાનારી વિગતો બાદ કડી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે, કડી પોલીસ સ્ટેશનના જેતે સમયના પીઆઈ અને પીએસઆઈ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. પીઆઇઓ એમ દેસાઈ અને પીએસઆઈ કે.એન. પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબ્જે લેવાયેલ દારૂ વેચવો કે અન્ય સ્થળે લઈ જવા મુદ્દે ગુનો દાખલ કરાયો છે. કોઈ ગુનામાં કબ્જે લેવાયેલ ના હોય તેવો પ્રોહીબિશનનો મુદ્દામાલ પો. સ્ટે.મા રાખી ગેરરીતિ આચર્યાનો ગુનો દાખલ કરાતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અનાર્મ એએસઆઇ દિલીપ ભુરજીભાઈએ આ ફરિયાદ નોંધાવી છે.
શું હતો કડી પોલીસ સ્ટેશન દારૂકાંડનો સમગ્ર કેસ?
અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજમાં ગુનાખોરી નાથવાની જેની જવાબદારી છે તેવા પોલીસ અધિકારીઓ જ હવે ગુનો કરવા માંડયાં છે. લોકડાઉનની સ્થિતિમાં દારુની તીવ્ર અછત ઉભી થતા કેટલાય પોલીસ કર્મચારીઓએ દારુનાં ધંધામાં ઝંપલાવ્યુ હતું. ઉત્તર ગુજરાતનાં કડી પોલીસ સ્ટેશનમાંથી ખુદ તેમનાં જ પોલીસ ઈન્સપેક્ટરે દારુની બોટલોને ચાર ખાનગી ગાડીઓમાં ભરાવીને તેમને ત્યાંથી મોકલી આપી હતી. કડી પીઆઇ ઓ .એમ .દેસાઈ ચાર પ્રાઇવેટ ગાડીઓમાં દારૂ ભરાવતા દેખાયા હોવાનું સીસીટીવીમાં બહાર આવ્યો હતો.

 

ઘટનાની વિગતવાર જાણીએ તો, મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન ખાતેથી 20મી મેના રોજ દારૂનો જથ્થો મોટી માત્રામાં વેચાયો હોવાના મેસેજથી જિલ્લા એસપી સહિતના કર્મીઓ દોડતા થયા હતા. તેવામાં કડીના શંકાસ્પદ દારૂ પ્રકરણમા રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા સહિતની ટીમ કડી પહોંચી હતી. ત્યારબાદ કડી દારૂ પ્રકરણની તપાસ ગાંધીનગર જિલ્લા એસપી મયુર ચાવડાને સોંપવામાં આવી હતી..દારૂ ક્યાં અને કેટલો ગયો, આ પ્રકરણમાં અન્ય કયાં પોલીસ અધિકારીની સંડોવણી છે તેની પણ તપાસ શરૂ કરાઈ હતી.

આ ઘટનામાં આઇજી અને જિલ્લા એસપીની ટીમ નર્મદા કેનાલ ખાતે પહોંચી હતી. એનડીઆરએફ્ની ટીમ ઓક્સિજનની બોટલ સાથે કેનાલમાં ઊતરી હતી. તેમજ શોધખોળ કરતા 20 દારૂની બોટલ મળી હતી. જોકે હજુ 100 જેટલી દારૂની બોટલ કેનાલમાં હોવાનું એનડીઆરએફ્ની ટીમનું અનુમાન લગાવ્યું હતું. તેમને બોટલો જોઈ છે પરંતુ દારૂની બોટલો લીલમાં ફ્સાઈ હોવાથી અને ઓક્સિજન ખલાસ થઈ જતાં આ ઓપરેશન સ્થગિત રખાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીજીના દારૂબંધીવાળા ગુજરાતમાં અગાઉ પણ પોલીસ જ દારૂ વેચતી હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં પણ પોલીસ કર્મચારીઓ દારૂ સાથે પકડાયા છે .પોતાના બાતમીદારો અને વિશ્વાસુ માણસો રાખીને તેઓ દારૂ લાવીને બુટલેગરોને વેચતા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. તાજેતરમાં જ નિકોલ પોલીસસ્ટેશનના વહીવટદાર અને કોન્સ્ટેબલ દારૂના જથ્થા સાથે પકડાયા હતા .અગાઉ એસ.એમ.સી.ના પીઆઇ અને અધિકારીઓ રાજસ્થાની દારૂ ગુજરાતમાં ખેંચી લાવ્યા હતા.

Live Scores Powered by Cn24news