ગાંધીધામ : કંડલા SEZના ગેટ પર બે ભાઈઓને પ્રવેશની ના પાડી તો ગાર્ડ પર તલવાર સહિત પ્રાણઘાતક હથિયારથી હુમલો

0
0

ગાંધીધામ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય ગેટ ઉપર અન અધિકૃત પ્રવેશ આપવાની ના પાડનાર સિક્યુરિટી ગાર્ડને પાંચ શખ્સોએ તલવાર, ધક્કા અને લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી.

ગાર્ડે ફરિયાદ નોંધાવી

મુળ ઉત્તરપ્રદેશના હાલે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રહેતા અને મુખ્ય ગેટ ઉપર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 22 વર્ષીય અશ્વિની જોગિન્દરસિંઘ શીરવાલે ફરિયાદ નોંધાવી છે કે, રાજકોટની પવનસૂત સિક્યુરિટી સર્વિસમાં ફરજ બજાવે છે અને હાલ 50 ગાર્ડ સાથે કાસેઝના મુખ્ય ગેટ ઉપર તેમની ફરજ બજાવે છે.

મનદુઃખ રાખી હુમલો

ગત સવારે 6 થી બપોરે બે વાગ્યા સુધી તેઓ સંદિપ તોમર અને પ્રદીપસિંહ તોમર સાથે ડ્યુટી પર હતા તે દરમિયાન બપોરે દોઢ વાગ્યાના આરસામાં કીડાણાના અક્રમ ચાવડા અને તેનો ભાઇ ગની ચાવડા તેમની પાસે આવ્યા હતા. બન્ને ભાઇ અવાર નવાર ઝોનમાં આવતા હોઇ બન્નેને તેઓ ઓળખે છે, તે દિવસે અક્રમ પાસે લોખંડનો પાઇપ હતો અને ગની ચાવડા પાસે તલવાર હતી . તેઓ અગાઉ ચોરી કરવાના ઇરાદે આવેલા હોઇ અન અધિકૃત પ્રવેશ આપવાની ના પાડી હોવાનું મનદુઃખ રાખી ધોક્કા અને લાકડી સાથે અન્ય ત્રણ માણસોને લઇને આવ્યા હતા.

તલવારથી ઉંધો ઘા માર્યો

તું અમને ઝોનમાં અંદર કેમ આવવા નથી આપતો કહેતાં ગાર્ડે ઉપરથી સૂચના હોવાને કારણે પ્રવેશ કરવા નથી દેવાનો તેવું કહેતાં ઉશ્કેરાઇ ગયેલા ગનીએ તલવાર વડે જમણા પગમાં ઉધો ઘા માર્યો હતો અક્રમે પાઇપ વડે ડાબા પગમાં અને સાથળમાં માર માર્યો હતો અન્ય ઇસમો પણ લાકડી અને ધોક્કા વડે તૂટી પડ્યા હતા. આ બનાવ બનતાં અન્ય સિક્યરિટી ગાર્ડ પહોંચી આવ્યા હતા.

જાનથી મારી નાંખવાની ધમકી

આરોપીઓએ જતાં જતાં હવે અંદર જવા નહીં આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. ફરિયાદીએ સીસી ટીવી ફૂટેજનું રેકોર્ડિંગ પણ ફરિયાદ સાથે પોલીસને આપ્યું છે. પોલીસે પાંચ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝોન લુખ્ખા તત્વોની દાદાગીરીમાંથી ક્યારે છૂટશે ?

કાસેઝમાં કંપનીઓમાંથી ચોરી કરવામાં આવતી હોવાની લાંબા સમયથી ઉઠતી ફરિયાદો બાદથી સુરક્ષા બંદોબસ્તને વધુ સજ્જ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક અસામાજીક તત્વો દ્વારા સતત કનડગત કરવામાં આવતી હોવાની સતત રાવ ઉઠવા પામી હતી. આ તમામ વચ્ચે સ્થાનિક લોકોની સંડોવણીના આક્ષેપો પણ ઉઠતા રહ્યા છે. કેટલાક તત્વો જે અગાઉ દાણચોરીની લોબિંગમાં સંલગ્ન હતા અને આજે તેમના પર હત્યા સહિતના આક્ષેપોમાં પણ સામેલગીરી જોવા મળી રહી છે. પરંતુ તેમના ભાઈઓના નામે આજે પણ ઝોનમાં સક્રિય છે ત્યારે તેના પર કઈ રીતે અંકુશ પ્રશાસન લાવે છે તે જોવુ રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here