નવી દિલ્હી, બેંગ્લુરુ, શિરડીઃ કર્ણાટકમાં સ્પીકરે રાજીનામાં નામંજૂર કરતા કોંગ્રેસના 5 ધારાસભ્ય અને બળવાખોર ધારાસભ્ય શનિવારે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે કોર્ટને આગ્રહ કર્યો કે તેમનાં રાજીનામાં મંજૂર કરવા માટે સ્પીકરને આદેશ આપવામાં આવે. અરજી કરનારામાં સુધાકર, રોશન બેગ, એટીબી નાગરાજ, મુનિરત્ન અને આનંદ સિંહ સામેલ છે. હવે કોર્ટ મંગળવારે કોંગ્રેસ-જેડીએસના 10 અન્ય ધારાસભ્યોની અરજી સાથે તેમની અરજી પર પણ સુનાવણી કરશે. જોકે કોર્ટે અત્યારે કર્ણાટકમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે. દરમિયાન કોંગ્રેસ-જેડીએસના 14 બળવાખોર ધારાસભ્ય શનિવારે શિરડીના સાઇબાબા મંદિરે પહોંચ્યા હતા. મુંબઇથી ચાર્ટર્ડ વિમાનમાં શિરડી પહોંચેલા ધારાસભ્યોએ પોલીસ સુરક્ષામાં બાબાનાં દર્શન કર્યાં હતાં. નોંધનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્યોનાં રાજીનામાં પછીથી રાજકીય સંકટ ઘેરું બન્યું છે.
કોંગ્રેસ બળવાખોરોને મનાવવામાં લાગી
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના બહુમતિ પરીક્ષણ પહેલાં કોંગ્રેસ પોતાના બળવાખોરોને મનાવવામાં લાગી છે. પાર્ટી પ્રવક્તા રવિ ગૌડાએ જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વર, વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમાર અને કૃષ્ણા બાઇરે ગૌડાએ આવાસ મંત્રી એમટીબી નાગરાજને રાજીનામું પાછું ખેંચવા મનાવી લીધા છે. રાજીનામાં આપનારામાં 13 કોંગ્રેસ અને 3 જેડીએસના ધારાસભ્યો છે.