વડોદરા : 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયનનો રોલ કરનાર કેસ્ટો ઇકબાલનું રોડ અકસ્માતમાં મૃત્યુ

0
36

વડોદરાઃ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કોમેડિયન કેસ્ટો ઇકબાલ અને તેમના મિત્રનું વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ થયું છે. કેસ્ટો ઇકબાલ ફિલ્મનું શૂટિંગ પતાવીને વડોદરા આવી રહ્યા હતા. તે સમયે અકસ્માત થયો હતો.

ફાર્મ હાઉસ પર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું

મૂળ ડભોઇના સુંદરકુવા ગામના ઇકબાલ અહેમદ મન્સુરી(61) ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરતા હતા. તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેસ્ટો ઇકબાલના નામથી જાણીતા હતા. કેસ્ટો ઇકબાલ રવિવારે તેમના મિત્ર કાદર ગુલામ રસુલ મન્સુરી(51, રહે સી-9, શ્રી એપાર્ટમેન્ટ, સંગમ ચાર હરણી રોડ, વડોદરા)ના નિમેટા પાસે પારસીપુરા ગામ પાસે ફાર્મ હાઉસમાં ગયા હતા. જ્યાં કેસ્ટો ઇકબાલની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું. શૂટિંગ પતાવીને મોડી રાત્રે બંને વડોદરા તરફ ટુ-વ્હીલર પર પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં-48 ઉપર વાઘોડિયા બ્રિજથી કપૂરાઇ બ્રિજ તરફ જવાના રસ્તા પર જય જલારામ ફેબ ફરાસખાના પાસે ટુ-વ્હીલરને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

પોલીસે બંનેના મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા

કાદરભાઇ પુત્ર શાહરુખ ઉર્ફે શેરૂ કાદર મનસુરીએ આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેસ્ટો ઇકબાલ ગુજરાતી ફિલ્મોમાં છોટે રમેશ મહેતા તરીકે જાણીતા બન્યા હતા

મૂળ ડભોઇના રહેવાસી કેસ્ટો ઇકબાલ ગુજરાતી ફિલ્મોમાં છોટે રમેશ મહેતા તરીકે જાણીતા બન્યા હતા. તેઓએ શું કરીશુ, ટેન્શન થઇ ગયુ, પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની સહિત 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઇકબાલ કેસ્ટોના મૃત્યુથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here