નડિયાદ : કઠલાલના આસિ. સબ ઇન્સ્પેક્ટર સહિત 2 જણા રૂ. 1 લાખની લાંચ લેતાં પકડાયા

0
17

નડિયાદ: ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથકના આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય વ્યક્તિને ખેડા જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરોએ રૂ.એક લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ગયા મહિને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીને જલ્દીથી જામીન મળી જાય તે માટે રૂ.1.20 લાખની લાંચ માંગી હતી. કઠલાલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને જલ્દીથી જામીન મળી જાય તે માટે તેના પરિવારજનો દ્વારા કઠલાલ પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ઇમરાન ઉસ્માનભાઇ મલેકે પોલીસ મથકના આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર મનુભાઇ પાઉલભાઇ પરમાર વતિ રૂ. 2 લાખની લાંચ પેટે માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે મામલો 1.20 લાખમાં નક્કી થયો હતો. વાયદા મુજબ 4 ઓક્ટોબરના રોજ રૂ. 1 લાખ આપવાનો વાયદો થયો હતો. જોકે લાંચ આપવી ન હોવાથી પરિવારજનો દ્વારા એસીબીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. એસીબી દ્વારા સમગ્ર મામલામાં છટકું ગોઠવીને પ્લાન મુજબ બુધવારે પરિવારજનોને લાંચના રૂ.1 લાખની તૈયાર કરેલી પાવડર કોટેડ નોટ સાથે પોલીસ મથકે મોકલવામાં આવ્યા હતા. જ્યાં એ.એસ.આઇ. મનુભાઇ અને ઇમરાન મલેક લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. હાલમાં બંનેની વધુ તપાસ એ.સી.બી. ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

છિપડીમાં થયેલી હત્યાના ગુનામાં આરોપીને જામીન માટે લાંચ માંગી હતી
કઠલાલ તાલુકાના છિપડી ગામે જમીનના વિવાદમાં પુત્રએ જ પિતાની હત્યા કરી નાખી હતી. આ મામલામાં આરોપીના સાસરિયાઓ દ્વારા તેને જલ્દી જામીન મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેની માટે કઠલાલ પોલીસ મથકના એ.એસ.આઇ.નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પિતાએ જમીન વેચવા કાઢતાં ગિન્નાયેલા પુત્રએ તેમનું કાસળ કાઢી નાખ્યું હતું.

58 વર્ષના એએસઆઇએ રિટાયરમેન્ટ પહેલાં જ લાંચ માંગી અને ફસાયા
લાંચના ગુનામાં સંડોવાયેલા એ.એસ.આઇ. મનુભાઇ પરમાર હાલમાં 58 વર્ષની ઉંમરના છે. નિવૃત્તિના આરે તેઓએ લાંચની લાલચ રાખતાં ફસાયા હતા. હાલમાં તેમના વિરૂધ્ધ એ.સી.બી. દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here