કેરળના ત્રિપુનિથુરાના રહેણાંક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીના વેરહાઉસમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ કેરળમાં સોમવારે થયેલા પ્રચંડ વિસ્ફોટથી લોકોના હૃદય હચમચી ઉઠ્યા હતા. કેરળમાં આવેલા ત્રિપુનિથુરાના રહેણાંક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આસપાસના 25થી વધુ મકાનો ધરાશાયી થયા છે. સમગ્ર ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 16 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ સાથે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
ત્રિપુનિથુરા જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ તિરુવનંતપુરમના રહેવાસી વિષ્ણુ તરીકે થઈ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 25 થી વધુ ઘરો અને કેટલીક દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. 2 વાહનો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આખું વેરહાઉસ રાખના ઢગલામાં ફેરવાઈ ગયું છે. વિસ્ફોટના સમાચાર મળતાની સાથે જ પોલીસ, પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા પોલીસ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.