કેવડિયાઃ ગુજરાતને પાણી પુરું પાડતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નજીવો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે નર્મદા ડેમમાં હાલ 13,278 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેને કારણે નર્મદા ડેમની સપાટીમાં એક દિવસમાં 4 સે.મી.નો વધારો થતાં ડેમની સપાટી 119.85 મીટર પર પહોંચી છે.
નર્મદા કેનાલમાં 2863 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે
રાજપીપળા સહિતના પંથકમાં વરસાદ થતા નર્મદા નદીમાં છોડાતું પાણી ઘટાડીને 510 ક્યુસેક કરી દેવાયું છે. જોકે નર્મદા કેનાલમાં હજુ પણ 2863 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા પથંકમાં સારા વરસાદને પગલે નર્મદા નદીમાં પાણી વધ્યું
છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. નર્મદા પથંકમાં વરસાદને પગલે નર્મદા નદીમાં પણ સતત પાણી વધી રહ્યું છે. જેને કારણે ખેડૂતો અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.