આજે શારજાહ ‘હાર્ડહિટરો’થી ગુંજશે : બેંગ્લોર-પંજાબ વચ્ચે કાંટે કી ટક્કર

0
19

આજે શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી બળાબળના પારખાં થવાના છે. આ મેચમાં ક્રિસ ગેઈલનું તોફાન આવે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે કેમ કે પંજાબ આજે તેના ફાંકડા ફટકાબાજ ક્રિસ ગેઈલને ઉતારવા માટે તૈયાર છે. બીજી બાજુ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ પણ જોરદાર ફોર્મમાં રમી રહ્યા હોવાથી મેચ રોમાંચક બની રહેવાની શક્યતા નકારી શકાતી નથી. પંજાબ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક જ મેચમાં જીત મેળવી શક્યું છે અને તે પણ બેંગ્લોર સામે જ જીત્યું હોવાથી બેંગ્લોર આજે તે હારનો બદલો લેવા મેદાને પડશે.

બન્ને ટીમ વચ્ચેની આ સીઝનની પ્રથમ ટક્કરમાં પંજાબે બેંગ્લોરને 97 રનની હરાવ્યું હતું. પંજાબનો આ સીઝનનો એ એકમાત્ર વિજય હતો. આ વિજય બાદ પંજાબ સતત પાંચ મેચ હારી ગઈ છે અને આજે એ જ વિજયમાંથી પ્રેરણા લઈને રાહુલ એન્ડ કંપની હારની હારમાળા અટકાવીને જીતનું જશ્ન મનાવવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરી શકે છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 ટક્કર થઈ છે જેમાંથી પંજાબ 13 અને બેંગ્લોર 12 મેચ જીત્યું છે.

બેંગ્લોરે મસમોટા પરાજયનો બદલો લઈને આજે પંજાબની પરેશાની વધારવા તત્પર છે. બેંગ્લોર પણ લાંબા સમય બાદ એક બેલેન્સ ટીમ જણાઈ રહી છે અને સાત મેચમાંથી પાંચ જીત સાથે એણે ટોપ-4માં સ્થાન જાળવી રાખ્યું છે. બીજી બાજુ બેંગ્લોરે પંજાબ સામે છેલ્લી પાંચમાંથી ચાર મેચમાં વિજય મેળવ્યો છે અને એ જ દબદબો કાયમ રાખવાના મક્કમ નિર્ધાર સાથે વિરાટસેના મેદાને ઉતરશે.

પંજાબ સામેની એ ટક્કરમાં વિરાટે પંજાબના કેપ્ટન રાહુલને બે વખત જીવતદાન આપ્યું હતું અને એ જ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો હતો. પંજાબે શરૂઆતમાં નિકોલસ પૂરનને અજમાવવા ક્રિસ ગેઈલને આરામ આપ્યો હતો. જો કે ત્યારબાદ ફૂડ પોઈઝનિંગને લીધે તે હોસ્પિટલાઈઝડ થતાં ગેઈલ રમી શક્યો નહોતો. હવે તે સંપૂર્ણ ફિટ થઈ ગયો હોવાથી પંજાબ આજે વધુ રાહ જોયા વગર ગેઈલને મેદાનમાં ઉતારશે. ગેઈલ અને પંજાબ મેનેજમેન્ટ બન્નેએ ગેઈલ રમવાનો છે તેવો ઈશારો આપી દીધો છે.

ગેઈલ 2011થી 2017 દરમિયાન બેંગ્લોર વતી 85 મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે પાંચ સદી અને 19 અર્ધસદી સાથે 3163 રન બનાવ્યા હતા. હવે આજે ગેઈલ તેની ભૂતપૂર્વ ટીમ સામે કેવો ગાજે છે તેના પર સૌની નજર રહેશે. શારજાહના નાના મેદાનમાં તેને રોકવો મુશ્કેલ છે એ બેંગ્લોર બરાબર જાણે છે એટલે તેને આજે ગેઈલનો ડર રહેવાનો જ છે. પંજાબ ગેઈલને કોની જગ્યાએ ટીમમાં સમાવે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. ગ્લેન મેક્સવેલ, ક્રિસ જોર્ડન અથવા મુજીબુર રહેમાનમાંથી કોઈ એકને બહાર કરવામાં આવે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here