ખાલિસ્તાની સમર્થકની દિલ્હીમાં ધરપકડ : વિદેશ ભાગવાની ફિરાકમાં હતો, પોલીસની સ્પેશિયલ ટીમે ઝડપ્યો; પંજાબમાં 14 ઓગસ્ટે સરકારી ઓફિસ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો

0
2

મોગાની કમિશનર ઓફિસ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારા બે ખાલિસ્તાની સમર્થક દિલ્હીમાં ઝડપાયા છે. બન્ને 16 દિવસથી ફરાર હતા અને વિદેશ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ પહેલા જ સ્પેશિયલ પોલીસ ટીમે બન્ને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ મોગાના રૌલી ગામના જસપાલસિંહ અને ઈન્દ્રજીત સિંહ તરીકે થઈ છે. જસપાલ ઘટનાનો માસ્ટમાઈન્ડ છે. તેના પિતા પંજાબ પોલીસમાં અધિકારી છે. આરોપીના પ્રતિબંધિત શીખ સંગઠન સાથે પણ સંબંધ હોવાનું સામે આવ્યું છે.

ગુરુપતવંત સિંહની જાહેરાતથી પ્રભાવિત થયા

ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂએ સ્વતંત્રતા દિવસ પર તેના સમર્થકોને ખાલિસ્તાની ધ્વજ લહેરાવવા માટે ઉશ્કેર્યા હતા. તેણે જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટે જે વ્યક્તિ લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવશે, તો તેને અઢી હજાર ડોલર આપવામાં આવશે. આનાથી જ પ્રભાવિત થઈને આરોપીઓએ ખાલિસ્તાની ધ્વજ તૈયાર કરાવ્યો હતો.

રાષ્ટ્રધ્વજ ઉતારીને ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો

જસપાલ અને ઈન્દ્રજીત 14 ઓગસ્ટે સવારે 8 વાગ્યે કમિશનર ઓફિસમાં ઘુસી ગયા હતા. ફિરોજપુરના સાધૂવાલા ગામના રહેવાસી આકાશદીપને પણ પોતાની સાથે લીધો હતો. ત્રણેયે કમિશનર ઓફિસના ચોથે માળથી તિંરગો ઉતારીને કેસરિયા ખાલિસ્તાની ધ્વજ ફરકાવી દીધો હતો. ધ્વજ પર શીખ પંથનું પવિત્ર નિશાન ખંડા હતું. ખાલિસ્તાન જિંદાબાદ પણ લખેલું હતું. આરોપીઓએ ઘટનાનો વીડિયો ઉતારીને પણ વાઈરલ કર્યો હતો.

ઘટના પછી દિલ્હી ભાગી ગયા

ઘટના સામે આવ્યા પછી ત્રણેય પર કેસ કરવામાં આવ્યો છે. જસપાલ અને ઈન્દ્રજીત સિંહ પર તિરંગાનું અપમાન અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનું અને આકાશદીપ પર તેનો વીડિયો બનાવવાનો આરોપ છે. પોલીસે આકાશદીપને ઘટનાના ત્રીજા દિવસે ઝડપી લીધો હતો, પરંતુ જસપાલ અને તેનો સાથી ઈન્દ્રજીત ભાગીને દિલ્હી પહોંચી ગયા હતા. જસપાલના પિતા ચમકૌર સિંહ મુસ્કર જિલ્લામાં સબઈન્સ્પેક્ટર છે. તેમની ધરપકડ ન થવા અંગે પંજાબ પોલીસ પર સવાલ પણ ઉઠાવાયા હતા.

આરોપીઓના પ્રતિબંધિત શીખ સંગઠન સાથે સંબંધ

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના ડીસીપી સંદીપ યાદવે જણાવ્યું કે, તેમને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના બે આરોપીઓના દિલ્હીમાં સંતાયો હોવાની માહિતી મળી હતી. તેમની ટીમે કરનાલ બાઈપાસ પર દરોડા પાડીને ઈન્દ્રજીત અને જસપાલને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બન્નેના ખાલિસ્તાન જિંદા ફોર્સ સાથે સંબંધ હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ આ તમામનું કનેક્શન પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ સાથે પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here