પ્રેરક ઉદાહરણ : કઠલાલના પીઠાઈ ગામની બહેનો રાખડી બનાવી આર્થિક રીતે સદ્ધર બની, વર્ષે 5 લાખનું ટર્નઓવર

0
31

નડિયાદ: કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળની મહિલાઓ માટે રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. આ સખી મંડળની શરૂઆત 2014માં માત્ર રૂ.5 હજારની બચતથી કરવામાં આવી હતી. કઠલાલમાં સખી મંડળની બહેનો માટે રક્ષાબંધન દર વર્ષે મોસમની રોજગારીના દ્વાર ખોલે છે. રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે.

પીઠાઇના સંતરામ સખી મંડળની મહિલાઓ ડઝનના રૂ.6થી માંડી રૂ.150 સુધીની રાખડીઓ બનાવે છે. આ અંગે સંતરામ સખી મંડળની ટીમ લીડર મીનાબહેન ડાભીએ જણાવ્યું હતું કે, અમારા જૂથની મહિલાઓ દ્વારા સિઝનેબલ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પતંગ અને રાખડીઓ બનાવવામાં આવે છે. દર વર્ષે 5 લાખ ઉપરાંતની પતંગો તેમજ 5 લાખથી વધુની રાખડીઓ મહિલાઓ દ્વારા ઘરે બેઠાં સીધે સીધું નડિયાદ, અમદાવાદ, કઠલાલના બજારમાં વેચાણ કરવામાં આવે છે. જૂથની દરેક મહિલા દર મહિને રૂ.3 હજારની આવક મેળવે છે. આ ઉપરાંત સખી મંડળની મહિલાઓ ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે.

મહિલાઓ ફાજલ સમયનો સદુપયોગ કરી પગભર બની 
સંતરામ સખી મંડળની મહિલાઓ દ્વારા ઇન્ડિયન બેન્ક કઠલાલ શાખામાંથી રૂ.1.50 લાખની લોન મેળવવામાં આવી છે. જેનો નિયમિત હપ્તો પણ તેઓ ભરપાઇ કરે છે. મિશન મંગલમ યોજના થકી મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ થઇ રહ્યું છે. તેમ જણાવતા મીનાબહેન ડાભીએ ઉમેર્યું હતું કે, અમારે નાણાં માટે કોઇની પાસે હાથ લંબાવવો પડતો નથી. સખી મંડળની મહિલાઓ પોતાના બાળકોને સારું શિક્ષણ પણ અપાવી રહી છે. પીઠાઇના સંતરામ સખી મંડળની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here