Tuesday, September 21, 2021
Homeખેડા : યાત્રાધામ ડાકોરમાં હિંડોળા મહોત્સવનો અષાઢી વદ બીજથી રંગેચંગે પ્રારંભ
Array

ખેડા : યાત્રાધામ ડાકોરમાં હિંડોળા મહોત્સવનો અષાઢી વદ બીજથી રંગેચંગે પ્રારંભ

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અષાઢી વદ બીજથી એક માસ સુધી સતત વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝૂલાવવામાં આવશે. ગતરોજથી આ પર્વનો રંગેચંગે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસેજ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

ડાકોરમાં રણછોડજીને હિંડોળામાં ઝૂલાવવાનો અનોખો મહિમા છે. અહીંયા અષાઢી વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે. કહેવાય છે કે હિંડોળામાં ભગવાનની બાળલીલા વખતે ગોપીઓ વૃક્ષની વડવાઈ અને પાનથી હિંડોળો સજાવીને વૃંદાવનમાં હિંડોળા લીલા કરી હતી. આથી આ ઉત્સવને અહીંયા પારંપરિક રીતે મનાવવામાં આવે છે. ઠાકોરજીને દિવાળીના સમયે જે રીતે અલંકારિક શણગાર રચવામાં આવે છે તેવો જ શણગાર આ હિંડોળા ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. સતત એક માસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝૂલાવવામાં આવશે. ગતરોજ સાંજે 4:30 વાગ્યાની આસપાસ કંકુ તીલક કરીને ગોપાલજીને હિંડોળે બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ પહેલા અભિવાશન કરી ઉથ્થાપન આરતી પણ કરવામાં આવી હતી.

આ મહોત્સવ દરમિયાન ભાતભાતના કલાત્મક હિંડોળા રચવામાં આવશે. મોટા હિંડોળા વૈષ્ણવો તરફથી હોય છે. જેમાં શાકભાજીના હિંડોળા, કાચના હિંડોળા, સૂકામેવાના હિંડોળા, ફૂલો, મોરપીંછ, ડોલર, કેવડાના સહિત અનેક પ્રકારના હિંડોળા રચી ભગવાનને ઝૂલાવવામાં આવે છે. વર્ષા ઋતુમાં ભક્તિભાવ પૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હિંડોળા મહોત્સવના પ્રારંભે ભગવાનને ચાંદીના હિંડોળે ઝૂલાવવામાં આવ્યા હતા. ભાવિક ભક્તોનો પ્રથમ દિવસેજ જાજો ઘસારો જોવા મળતાં વાતાવરણ જય રણછોડના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments