ખેરાલુના યુવકે માયનસ 10 ડિગ્રી ઠંડી વચ્ચે હિમાલયના 16700 ફૂટ ઊંચા જગતસુખ શિખરે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

0
4

ખેરાલુ તાલુકાના મંડાલી ગામના 19 વર્ષના યુવાને તાજેતરમાં માત્ર 5 દિવસમાં શરીરને થીજવી નાખે તેવી માયનસ 10 ડિગ્રી ઠંડી વચ્ચે હિમાલયનું જગતસુખ શિખર સર કર્યું હતું. પોતાના દ્દઢ મનોબળથી 16700 ફૂટની ઊંચાઇએ રાષ્ટ્રધ્વજ લહરાવ્યો હતો. 37 પર્વતારોહકો પૈકી 24 પર્વતારોહકો શિખર સુધી પહોંચી ચૂક્યા હતા.હિમાલયના જગતસુખ શિખરને સર કરનાર મંડાલીના શક્તિસિંહ જસવંતસિંહ ચૌહાણે કહ્યું કે, અમદાવાદની ઇનવીન્સીબલ ગૃપના 37 પર્વતારોહકો ગત 29 સપ્ટેમ્બરના રોજ હિમાલયના જગતસુખના 15 હજાર ફૂટે આવેલા કેમ્પ પર પહોંચ્યા હતા. -10 ડિગ્રી ઠંડી અને સુસવાટા મારતા પવનને ચીરીને 16700 ફૂટની ઊંચાઇ ધરાવતાં જગતસુખ શિખર સર કરવાનો હતો.

એટલે કે, 5 દિવસમાં 1700 ફૂટની સીધી ચડાઇ હતી. 37 પૈકી 24 પર્વતારોહણ આ શિખર સર કરી ચૂક્યા હતા. એ 24 પૈકી એક હું હતો. 15 કિલો વજન સાથે શિખરે પહોંચી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યારે જગ જીત્યો હોય તેવો અનુભવ થયો હતો. આ ટાસ્કની શરૂઆત 3 મહિના પહેલાં થઇ હતી. દરરોજ 5 કિલોમીટરની દોડ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટીસ અને યોગ પ્રાણાયમનો અભ્યાસ કામ આવ્યો. આ દરમિયાન નિષ્ણાતો દ્વારા ઓનલાઇન ટેકનિકલ તાલીમ પણ લીધી હતી. મનાલી પહોંચ્યા ત્યારે એક ડેમોસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. કોઇ પર્વતને સર કરવો એ મારો પહેલો અનુભવ હતો. એક વખત વિશ્વનો સૌથી ઊંચા એવા માઉન્ટ એવરેસ્ટ શિખરને સર કરવાની પ્રબળ ઇચ્છા છે.