પૂર્વ ક્રિકેટર અને આ રાજ્યના મંત્રીની કિડની ફેલ, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકાયા

0
6

ઉત્તર પ્રદેશના હોમગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણની તબિયત વધુ બગડી છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે, તેમની કિડની ફેલ થઈ છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માહિતી મળી રહી છે.

પૂર્વ ક્રિકેટર અને યુપીના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતન ચૌહાણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં.

જુલાઈ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આવામાં હવે ચેતન ચૌહાણની તબિયત વધુ લથડી રહી છે. ડોકટરોના મતે, તેમની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે ચેતન ચૌહાણ અમરોહા જિલ્લામાં નૌગાવા વિધાનસભાના ધારાસભ્ય છે.

મહત્વનું છે કે ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ બેટ્સમેન રહી ચૂક્યાં છે. ત્યારે હવે ચૌહાણ ભારતીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. 1991 અને 1998 ની ચૂંટણીમાં તેઓ ભાજપના ટિકિટ પર સાંસદ બન્યા હતા.

ક્રિકેટ કારકિર્દી

ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય ચેતન ચૌહાણે સાત વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે.