હમાસ નેતા એ સૈનિકોને આદેશ આપ્યો છે કે ઈઝરાયેલી દળો જો આગળ વધે એવું લાગે તો બંધકોને મારી નાંખો. આવા આદેશ પછી પહેલેથી જ અસ્થિર સ્થિતિ વધુ ગંભીર બની છે. ગાઝામાં બંધકોને રાખનારા હમાસના સૈનિકોને આદેશ અપાયો છે કે જો તેમને લાગે કે ઈઝરાયેલી સેના નજીક આવી રહી છે તો તેમના બંધકોને ગોળી મારી દે. જણાવી દઈએ કે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગાઝાના નુસેરાતથી ચાર બંધકોને છોડાવ્યા હતા. ત્રણ બંધકોનું મોત ઇઝરાયેલના હવાઈ હુમલામાં થયું હોવાનું કહેવાય છે.
7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર હુમલો કરીને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. બેન્જામિન નેતન્યાહુની સરકાર ત્યારથી જ આ લોકોને શોધવા અને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન અને ઇઝરાયેલી ગુપ્તચર અને લશ્કરી વિશ્લેષકોનો “ફ્યુઝન સેલ” બંધકોની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોન અને ઉપગ્રહોનો ઉપયોગ કરી રહ્યા છે. ઇઝરાયેલ અત્યાર સુધીમાં સાત બંધકોને છોડાવવામાં સફળ રહ્યું છે. પરંતુ ઘણાં લોકો સંઘર્ષ દરમિયાન અથવા અપહરણકર્તાઓના હાથે મોતને ભેટ્યા છે.
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) એ યુએસ દ્વારા તૈયાર કરાયેલા ગાઝામાં યુદ્ધવિરામ યોજનાને સમર્થન કરતા ઠરાવને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા રજૂ કરાયેલ આ ડ્રાફ્ટમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. એમાં સામેલ તમામ પક્ષોને “વિલંબ કર્યા વિના અને કોઈપણ શરતો વિના તેની શરતોનો સંપૂર્ણ અમલ કરો.” એવો ઠરાવ પાસ કર્યો છે. ઇઝરાયેલ યુદ્ધવિરામ યોજના માટે સંમત છે અને હમાસને પણ આવું કરવા માટે આહ્વાન કર્યું છે. બંને બાજુ સંમતિ હોવા છતાં શાંતિનો માર્ગ પડકારોથી ભરપૂર છે.
જોકે યુદ્ધવિરામનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઠરાવ મુજબ છ-અઠવાડિયાના પ્રારંભિક યુદ્ધવિરામનો સમાવેશ થાય છે, આ દરમિયાન ઇઝરાયેલ ગાઝાના રહેણાક વિસ્તારમાંથી હટી જશે. અને હમાસ બંધકોને મુક્ત કરશે. વાતચીતનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને આગળ વધારવાનો અને દુશ્મનાવટનો કાયમી ઉકેલ શોધવાનો રહેશે. ઈઝરાયેલના રાજદ્વારી રીટ શાપિર બેન નફ્તાલીએ કહ્યુ કે, ઈઝરાયેલના લક્ષ્ય પૂરા થયા પછી જ યુદ્ધ સમાપ્ત થશે. જેના માટે અમે કંઈપણ કરવા તૈયાર છીએ.