તમે સાઇકલ ચોરી છે એમ કહી માર મારી, ત્રણ પૈકી એકનું માથું દિવાલ સાથે ભટકાડતા ગંભીર ઇજા

0
4

અમરોલી-કોસાડ આવાસ નજીક ત્રણ ઉડીયાને આંતરી તમે સાઇકલ ચોરી છે એમ કહી માર મારી ત્રણ પૈકી એકનું માથું દિવાલમાં ભટકાડી ગંભીર ઇજા પહોંચાડતા અમરોલી પોલીસે ત્રણ અજાણ્યા વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી-કોસાડ આવાસ નજીક ઘરતી નગરની પાછળ ઝુપડામાં રહેતો અને છુટક મજૂરી કામ કરતો રાજેશ ઉર્ફે રાજુ સુરેશ પ્રધાન (ઉ.વ. 60 મૂળ રહે. મલ્લીકેશન, જિ. ગંજામ, ઓડિશા) વ્હેલી સવારે 5 વાગ્યાના અરસામાં સાથે રહેતા ટકલો અને કાળીયા નામના મિત્ર સાથે ચા પીવા જઇ રહ્યા હતા. તે દરમિયાન કોસાડ આવાસ પાસેથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા યુવાને આંતરી તમે લોકોએ સાઇકલ ચોરી છે એમ કહ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં અમે કોઇ સાઇકલ ચોરી કરી નથી અને ચા પીવા જઇએ છે એમ કહેતા વેંત ત્રણેય જણાએ રાજેશ, ટકલા અને કાળીયાને માર માર્યો હતો.

ચોરીનો આક્ષેપ કરી માર મારનાર ત્રણ પૈકી બે યુવાને ટકલાનું માથું પકડી દિવાલ સાથે ભટકાડતા થયેલી ગંભીર ઇજાને કારણે ત્યાં જ બેભાન થઇ ગયો હતો. જયારે રાજેશ અને કાળીયાને લાકડાનો ફટકો મારતા કાળીયો સ્વબચાવ માટે ત્યાંથી ભાગી ગયો હતો. રાજેશને જમણા પગના ઘુંટણમાં ઇજા થતા તે પણ ત્યાં જ બેસી ગયો હતો.

ઘટનાને પગલે લોકો એકઠા થઇ જતા ત્રણેય હુમલાખોર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ દોડી આવી હતી અને ટકલાને ગંભીર ઇજા થઇ હોવાથી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા કરનારની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here