કિંગ્સ ઇલેવન પંજાબના બોલર શમીએ કહ્યું- લોકડાઉનને કારણે ઘણા મહિનાઓથી દીકરીને મળી શક્યો નથી, મને તેની બહુ યાદ આવે છે

0
3

IPLની આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમનાર મોહમ્મદ શમીને દીકરી આયરાની યાદ આવી રહી છે. તેણે કહ્યું કે, લોકડાઉનને કારણે હું છેલ્લા ઘણા મહિનાઓથી મારી દીકરીને મળી શક્યો નથી. તે ઝડપથી મોટી થઈ રહી છે અને હું તેને ખૂબ મિસ કરું છું. અત્યારે તેની પુત્રી પત્ની હસીન જહાં સાથે રહે છે. શમીએ આ વાત ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી હતી.

શમીએ કહ્યું કે ઘણા સમય પછી અમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ટીમનો દરેક ખેલાડી મેદાન પર પરત ફરીને ખુશ છે. અમે ગુરુવારે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ સમસ્યા નહોતી થઈ. દરેક ખેલાડી ધીરે ધીરે લય પ્રાપ્ત કરી રહ્યો છે. અહીં આવતાં પહેલાં હું મારા ફોર્મ હાઉસમાં પ્રેક્ટિસ કરતો હતો. તેથી અહીં આવ્યા પછી મને બહુ ફરક ન લાગ્યો.

આ સીઝનમાં ફેન્સને મિસ કરીશુંતેણે સ્વીકાર્યું કે આ સીઝનમાં ફેન્સને મિસ કરશે. પરંતુ આ મુશ્કેલ સમયમાં લોકોના ચહેરા પર સ્મિત લાવવાની જવાબદારી ક્રિકેટરોની છે. અમને ગમે છે જ્યારે પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવીને અમારો ઉત્સાહ વધારે છે.

ખેલાડીઓએ UAEમાં વધારે મુસાફરી કરવાની રહેશે નહીં

  • શમીએ કહ્યું કે UAEમાં ખેલાડીઓએ વધારે મુસાફરી કરવી પડશે નહીં. કારણ કે તમામ મેચ ફક્ત ત્રણ શહેરોમાં જ રમાવવાની છે. મેચ અબુધાબીમાં થાય છે ત્યારે, બસ દ્વારા લગભગ બે કલાક પ્રવાસ કરવો પડે છે.
  • તેણે કહ્યું કે વારંવાર મેચ અને પ્રેક્ટિસ કરવાથી કેટલીક સમસ્યા ઉભી થઈ શકે છે. પરંતુ આ એક નાનું ફોર્મેટ છે, તેથી બોડી પર વધુ લોડ પડશે નહિ. સારી વસ્તુ એ છે કે, આ વખતે વધારે મુસાફરી કરવાની રહેશે નહિ.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી માટે IPL મહત્વપૂર્ણ છે

  • કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીએ કહ્યું કે સારું છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતા ખેલાડીઓ IPL રમી રહ્યા છે.
  • આ સાથે ટૂર શરૂ થતાં પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટેની લય મેળવીશું.
  • વિરાટ કોહલીની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી હતી.
  • જો કે, ત્યારે યજમાનો સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વિના રમ્યા હતા, બંને બોલ ટેમ્પરિંગના કારણે પ્રતિબંધનો સામનો કરી રહ્યા હતા.
  • આ વખતે બંને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. શમીએ કહ્યું કે દરેકનું ધ્યાન તે પ્રવાસ પર છે. અમારી વચ્ચે સારું ક્રિકેટ જોવા મળશે.

લીડ બોલર તરીકે મારું કામ વિકેટ લેવાનું છે

  • ટીમ ઈન્ડિયા માટે 49 ટેસ્ટ, 77 વનડે અને 11 T-20 રમનાર બોલરે કહ્યું કે હું હંમેશાં 100% આપવાનો પ્રયત્ન કરું છું.
  • હું પરિસ્થિતિ પ્રમાણે બોલિંગ કરીશ. સ્વાભાવિક છે કે ટીમના લીડ બોલર તરીકે, મારી જવાબદારી રહેશે કે ટીમને વિકેટ્સ અપાવું.
  • શમીએ IPLની છેલ્લી સીઝનમાં 24.6ની સરેરાશથી 19 વિકેટ ઝડપી હતી.