IPL 2020 : આજે સાંજે 7.30 વાગે કિંગ્સ ઈલેવન પંજાબ VS સનરાઈઝર્સ હૈદરાબાદ.

0
6

સતત ત્રણ જીતથી ફરી પાટા પર પરત ફરનારી કિંગ્સ ઈલેવન પંજાબ અને પાછલા મેચમાં મોટી જીતથી ઉત્સાહિત સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલમાં આજે પોતાનું વિજય અભિયાન જારી રાખવાના ઈરાદે એકબીજાનો સામનો કરશે. કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સની સ્થિતિ એક જેવી જ છે. આ બન્ને ટીમોના 10 મેચમાં આઠ પોઈન્ટ છે પરંતુ હૈદરાબાદની ટીમ શ્રેષ્ઠ રનગતિને કારણે આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં પંજાબ કરતાં એક સ્થાન ઉપર છે.

પ્લેઓફમાં જગ્યા સુનીશ્શ્ચિત કરવા માટે આ બન્ને ટીમોએ પોતાના બાકીના મેચ જીતવા જ પડશે. પંજાબ માટે ટૂર્નામેન્ટની શરૂઆત સારી રહી નહોતી પરંતુ પાછલા મેચોમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. કિંગ્સ ઈલેવને દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું તેમજ રાહુલની આગેવાનીવાળી ટીમ ટોપ-4માં જગ્યા બનાવવા માટે વિજય અભિયાન યથાવત રાખવાની કોશિશ કરશે. કિંગ્સ ઈલેવનની બેટિંગલાઈન સુરક્ષિત હાથોમાં છે. કેપ્ટન કે.એલ.રાહુલ ઉપરાંત મયંક અગ્રવાલ, ક્રિસ ગેઈલ અને નિકોલસ પુરન સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ગ્લેન મેક્સવેલનું ફોર્મ ચિંતાનો વિષય છે. જીમ્મી નિશામના આવવાથી ટીમની બેટિંગ અને મોહમ્મદ શામીને કારણે બોલિંગ ઘણી મજબૂત બની છે.

સનરાઈઝર્સે પણ પ્લેઓફમાં પહોંચવા માટે પોતાના બાકી બચેલા ચારેય મેચ જીતવા પડશે. સતત ત્રણ હાર બાદ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઠ વિકેટથી મળેલી જીતને કારણે ટીમનું મનોબળ વધ્યું છે. ડેવિડ વોર્નરની ટીમ હવે પ્લેઓફની આશાને જીવંત રાખવા માટે કોઈ કસર બાકી રાખશે નહીં. સનરાઈઝર્સ માટે પાછલા મેચમાં સકારાત્મક પાસું એ રહ્યું કે વોર્નર અને બેરિસ્ટોની નિષ્ફળતા છતાં ટીમ મનિષ પાંડે અને વિજય શંકરની અર્ધસદીની મદદથી 155 રનનો લક્ષ્‍યાંક હાંસલ કરી શકી હતી. બીજી બાજુ જૈસન હોલ્ડરને સામેલ કરવાથી ટીમની બોલિંગ મજબૂત બની છે. વિન્ડિઝના આ ઓલરાઉન્ડરે રોયલ્સ વિરુદ્ધ 33 રન આપીને 3 વિકેટ ખેડવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here