ટેસ્ટ : ત્રીજા દિવસના અંતે ભારતની મેચ પર મજબૂત પકડ, 3 ગુમાવીને 260 રનની લીડ મેળવી, કોહલી અને રહાણેની ફિફટી

0
51

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. વિન્ડીઝને 222 રનમાં ઓલઆઉટ કરીને ભારતે પ્રથમ દાવમાં 75 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ભારતે દિવસના અંતે 72 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. 260 રનની લીડ સાથે ટીમ વિન્ડીઝ પર હાવી છે. કપ્તાન અને ઉપક્પ્તાન- વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે બંનેએ ફિફટી ફટકારી દીધી છે અને મોટો સ્કોર કરે તેમ જણાઈ રહ્યું છે. બંનેએ ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી છે. રહાણેએ સતત બીજી ઇનિંગ્સમાં ફિફટી મારતા ટેસ્ટ કરિયરમાં 19મી અર્ધસદી ફટકારી છે, જયારે કોહલીની આ 21મી ફિફટી છે.

રહાણેએ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફિફટી ફટકારી:

 • વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડર્બન, 2013
 • વિરુદ્ધ ઇંગ્લેન્ડ, સાઉથહેમ્પટન, 2014
 • વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, દિલ્હી, 2015
 • વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, એન્ટીગુઆ, 2019

પુજારા, રાહુલ અને અગ્રવાલ સારી શરૂઆતનો ફાયદો ન ઉઠાવી શક્યા:

ભારતના ટોપ 3 બીજા દાવમાં પણ નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેય સેટ થયા પછી આઉટ થયા હતા. ચેતેશ્વર પુજારા 25 રને કેમર રોચની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા બંને ઓપનર્સ સ્પિનર રોસ્ટન ચેઝની બોલિંગમાં આઉટ થયો હતો. મયંક અગ્રવાલ 16 રને ચેઝની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. જયારે લોકેશ રાહુલ ચેઝની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 85 બોલમાં 4 ચોક્કાની મદદથી 38 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝ 222 રનમાં ઓલઆઉટ, ભારતને 75 રનની લીડ મળી

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના 297 રનનો પીછો કરતા 222 રનમાં ઓલઆઉટ થઇ હતી. ત્રીજા દિવસે વિન્ડીઝે અંતિમ બે વિકેટ માટે 35 રન ઉમેર્યા હતા. તેમના માટે જેસન હોલ્ડર 69 બોલમાં 5 ચોક્કાની મદદથી 39 રન કર્યા હતા. ભારત માટે ઇશાંત શર્માએ 5 વિકેટ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 2 વિકેટ, જયારે જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી હતી. ભારતને પ્રથમ દાવમાં 75 રનની લીડ મળી છે.

બ્લેક રિબન બાંધીને રમવા ઉતરી ટીમ ઇન્ડિયા 
અરૂણ જેટલીના નિધન પર શોકના પ્રતીક તરીકે ભારતીય ટીમ વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારે બ્લેક રિબન બાંધીને મેદાનમાં ઉતરી હતી. જેટલીએ લાંબા સમય માટે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના પ્રમુખ અને બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા હતા.

બીજા દિવસના અંતે 8 વિકેટ ગુમાવી વિન્ડીઝ ભારત કરતા 108 રન પાછળ
સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે. વિન્ડીઝ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. ઇશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોસ્ટન ચેઝે 48 રન, શિમરોન હૅટમાયરે 35 રન અને શાઈ હોપે 24 રન કર્યા હતા. ડવેન બ્રાવો 18 રને આઉટ કરીને જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી હતી.

ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 50 વિકેટ:

 • 09 રવિચંદ્રન અશ્વિન
 • 10 અનિલ કુંબલે
 • 11 નરેન્દ્ર હિરવાની/ હરભજનસિંહ/ જસપ્રીત બુમરાહ

ભારત પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ

ભારત 96.4 ઓવરમાં 297 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે બીજા અંતિમ 4 વિકેટ માટે 94 રન ઉમેર્યા હતા. ટીમ ઇન્ડિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચી તેમાં રવિન્દ્ર જાડેજાનો સિંહફાળો હતો. તેણે આજે 94 રનમાંથી 55 રન કર્યા હતા. પોતાના વનડે કરિયરની 11મી ફિફટી ફટકારતા તેણે 112 બોલમાં 6 ચોક્કા અને 1 ચોક્કાની મદદથી 58 રન કર્યા હતા. વિન્ડીઝ માટે કેમર રોચે 4 વિકેટ, શેનોન ગેબ્રિયલે 3 વિકેટ, રોસ્ટન ચેઝે 2 વિકેટ અને જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી હતી.

જાડેજા-ઇશાંતે આઠમી વિકેટ માટે 60 રન જોડ્યા

 • ઇશાંત શર્માએ રવિન્દ્ર જાડેજાનો સારો સાથ આપતા બંનેએ આઠમી વિકેટ માટે 60 રન જોડ્યા હતા. ઇશાંતે 62 બોલમાં 1 ચોક્કાની મદદથી 19 રન કર્યા હતા. તે ગેબ્રિયલની બોલિંગમાં આઉટ થયો હતો.
 • તે પછી મોહમ્મદ શમી ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. રોસ્ટન ચેઝની બોલિંગમાં પહેલા બોલે જ મોટો શોટ રમવા જતા તે કોટ એન્ડ બોલ્ડ થયો હતો.
 • ઋષભ પંત ફરી એક વાર મોટો સ્કોર કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે કેમર રોચની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 47 બોલમાં 4 ચોક્કાની મદદથી 27 રન કર્યા હતા.

પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા

 • ભારતે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ એન્ટીગુઆ ખાતે વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર જેસન હોલ્ડરનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડીજીટમાં આઉટ થતા ટીમે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 3 રને અને ઋષભ પંત 20 રને રમી રહ્યા હતા.

રહાણે કરિયરની 18મી ફિફટી ફટકારી ફોર્મમાં પરત ફર્યો

 • સતત ટીકાનો સામનો કરી રહેલા ભારતીય ટીમનો ઉપક્પ્તાન રહાણે સમયસર ફોર્મમાં પરત ફર્યો હતો. 25 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી તેણે રાહુલ સાથે ચોથી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. આઉટ ઓફ ફોર્મ રહાણે ઇનિંગ્સની શરૂઆતમાં ટાઈમિંગ માટે ઝઝૂમી રહ્યો હતો પરંતુ ક્રિઝ પર થોડો સમય વિતાવ્યા પછી તેણે રાહુલ સાથે ટીમને સારી સ્થિતિમાં લાવી હતી.
 • બીજી તરફ રાહુલ ઇનિંગ્સની શરૂઆતથી સારી રીતે બેટિંગ કરી રહ્યો હતો અને તેણે કેટલાક આકર્ષક શોટ્સ પણ માર્યા હતા. જોકે તે કમનસીબ રીતે રોસ્ટન ચેઝની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 5 ચોક્કાની મદદથી 44 રન કર્યા હતા.
 • રાહુલના આઉટ થયા પછી રહાણેએ વિહારી સાથે 82 રનની ભાગીદારી કરી હતી. પ્રેક્ટિસ મેચમાં સાથે બેટિંગ કરી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો હતો. વિહારીને ફાસ્ટ બોલર્સ સામે તકલીફ પડી રહી હતી, જોકે તેણે તેમ છતાં ડિફેન્સના વડે ક્રિસ પર સારો સમય પસાર કર્યો હતો. વિહારી 32 રને રોચની બોલિંગમાં હોપના હાથે કેચ આઉટ થયો હતો. રોચે ક્રિઝનો ઉપયોગ કરતા બોલને દૂરથી નાખ્યો હતો અને બોલ વિહારીની એજ લેવા પૂરતો જ સિમ થયો હતો.
 • રહાણે 81 રને શેનોન ગેબ્રિયલની બોલિંગમાં બેકફૂટ પંચ મારવા જતા કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 163 બોલમાં 10 ચોક્કાની મદદથી કરિયરની 18મી ફિફટી મારી હતી. વિન્ડીઝ માટે કેમર રોચે ત્રણ વિકેટ, શેનોન ગેબ્રિયલે 2 વિકેટ અને રોસ્ટન ચેઝે 1 વિકેટ લીધી હતી.

અગ્રવાલ, પુજારા અને કોહલી સિંગલ ડિજિટમાં આઉટ

 • મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. તે કેમર રોચની બોલિંગમાં કીપર શાઈ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા વિન્ડીઝે રિવ્યુ લઈને મયંકને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • ચેતેશ્વર પુજારા પણ અગ્રવાલની જેમ જ રોચની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. પુજારાએ 4 બોલમાં 2 રન કર્યા હતા.
 • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની શેનોન ગેબ્રિયલે બહુ સારી રીતે સેટ કર્યો હતો. સતત બે બાઉન્સર નાખ્યા પછી એક શોર્ટ એન્ડ વાઈડ બોલમાં કોહલી ગલી પર બ્રુક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ લીધી

 • વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફાસ્ટ બોલર્સ અને એક સ્પિનરને રમાડ્યો છે. ટીમમાં રવિન્દ્ર જાડેજાને રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે. જયારે રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવામાં આવ્યો છે. બીજી તરફ વિન્ડીઝની ટીમમાં શમરહ બ્રુક્સ ડેબ્યુ કરી રહ્યો છે.

ભારતની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
વેસ્ટ ઇન્ડિઝની પ્લેઈંગ 11: ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાંયર, રોસ્ટન ચેઝ, શમરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, મિગેલ કમિન્સ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here