કોલકાતાએ રાજસ્થાનને 60 રને હરાવ્યું : રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર, કોલકાતા નાઈટ રાઈડર્સ હજી પણ જીવંત.

0
20

IPL 2020ની 54મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દુબઈ ખાતે 192 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન જ કરી શક્યું. આ મેચમાં પરાજય મેળવતા રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફમાં આવવા માટે દિલ્હી- બેંગલોર અને હૈદરાબાદ-મુંબઈના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. જો હૈદરાબાદ હારી જાય તો મુંબઈ, દિલ્હી, બેંગલોર અને કોલકાતા ક્વોલિફાય થઇ જશે. જો હૈદરાબાદ જીતે તો તેઓ મુંબઈ, બેંગલોર-દિલ્હીમાં જીતનાર ટીમ અને હૈદરાબાદ ક્વોલિફાય થશે. જ્યારે કોલકાતા અને દિલ્હી-બેંગલોરમાં હારનાર ટીમમાંથી એકને નેટ રનરેટના આધારે સ્થાન મળશે.

પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની પોઝિશન:

  • 29 ઓક્ટોબરના અંતે: નંબર 5
  • 30 ઓક્ટોબરના અંતે: નંબર-6
  • 31 ઓક્ટોબરના અંતે: નંબર-7
  • 1 નવેમ્બરે પ્રથમ મેચ સમાપ્ત થઇ તે પછી: નંબર-8
  • 1 નવેમ્બરે બીજી મેચ સમાપ્ત થઇ તે પછી: નંબર 4

રાજસ્થાન પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને, જ્યારે ચેન્નાઈ સાતમા સ્થાને રહ્યું

આ મેચ મોટા માર્જિનથી ગુમાવતા રાજસ્થાન હવે પોઈન્ટ્સ ટેબલમાં અંતિમ સ્થાને જતું રહ્યું છે. જ્યારે ચેન્નાઈની ટીમ સાતમા સ્થાને આવી ગઈ છે. રનચેઝમાં રોયલ્સ માટે જોસ બટલરે 35, રાહુલ તેવટિયાએ 31 અને શ્રેયસ ગોપાલે 23 રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહીં. કોલકાતા માટે પેટ કમિન્સે 4, શિવમ માવી- વરુણ ચક્રવર્તીએ 2-2 અને કમલેશ નાગરકોટીએ 1 વિકેટ લીધી.

સેમસન અને પરાગે નિરાશ કર્યા

સંજુ સેમસન 1 રને શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. શિવમ માવીએ ઇનિંગ્સની ચોથી ઓવર મેડન નાખી. જ્યારે રિયાન પરાગ 0 રને કમિન્સની બોલિંગમાં કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો.

કમિન્સે રાજસ્થાનના ટોપ-3ને પેવેલિયન ભેગા કર્યા

રોબિન ઉથપ્પા 6 રને કમિન્સની બોલિંગમાં નાગરકોટી દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ 18 રને કમિન્સની જ બોલિંગમાં કીપર કાર્તિક દ્વારા કેચઆઉટ થયો હતો. કાર્તિકે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. તે પછી કમિન્સે સ્મિથને 4 રને બોલ્ડ કર્યો હતો.

કોલકાતાએ 192 રનનો ટાર્ગેટ આપ્યો

કોલકાતા નાઈટ રાઇડર્સે દુબઈ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 191 રન કર્યા છે. તેમના માટે ઓઇન મોર્ગને કપ્તાની ઇનિંગ્સ રમતા 35 બોલમાં 5 ફોર અને 6 સિક્સની મદદથી 68* રન કર્યા. આ તેની લીગમાં પાંચમી ફિફટી અને કોલકાતાના કપ્તાન તરીકે પ્રથમ ફિફટી છે. રાજસ્થાન માટે રાહુલ તેવટિયાએ 3 વિકેટ, કાર્તિક ત્યાગીએ 2 વિકેટ, જ્યારે શ્રેયસ ગોપાલ અને જોફરા આર્ચરે 1-1 વિકેટ લીધી.

તેવટિયાએ ત્રણ વિકેટ લીધી, કાર્તિકને શૂન્ય રને આઉટ કર્યો

સુનિલ નારાયણ શૂન્ય રને તેવટિયાની બોલિંગમાં સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી રાહુલ ત્રિપાઠી ગોપાલની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 34 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 39 રન કર્યા હતા. જ્યારે પૂર્વ કપ્તાન દિનેશ કાર્તિક શૂન્ય રને તેવટિયાની બોલિંગમાં શોર્ટ-મિડવિકેટ પર સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો.

આન્દ્રે રસેલ કાર્તિક ત્યાગીની બોલિંગમાં ડીપ પોઇન્ટ પર સબ્સ્ટિટયૂટ મિલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 25 રન કર્યા હતા.

ગિલ અને ત્રિપાઠીની 72 રનની ભાગીદારી

શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. ગિલે 24 બોલમાં 6 ફોરની મદદથી 36 રન કર્યા. તે રાહુલ તેવટિયાની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલાં નીતીશ રાણા શૂન્ય રને આર્ચરની બોલિંગમાં કીપર સેમસન દ્વારા કેચ આઉટ થયો હતો.

રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ લીધી

રાજસ્થાન રોયલ્સે દુબઈ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. રાજસ્થાને પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે કોલકાતાએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. આન્દ્રે રસેલ અને શિવમ માવીને લોકી ફર્ગ્યુસન અને રિન્કુ સિંહની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

કોલકાતાની પ્લેઈંગ-11: શુભમન ગિલ, નીતીશ રાણા, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આન્દ્રે રસેલ, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

રાજસ્થાનની પ્લેઈંગ-11: રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ (કેપ્ટન) જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ આરોન અને કાર્તિક ત્યાગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here