કોલકાતા : ગૃહમંત્રીએ ખુદીરામ બોઝના ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- મમતા જેવી નીચી રાજનીતિ નથી જોઈ

0
9

પશ્ચિમ બંગાળના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ભાજપ અને તૃણમૂલ સ્પષ્ટ રીતે સામસામે આવી ગયાં છે. ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કોઈ કસર રાખવા માગતા નથી અને તેમણે અહીંના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને પણ 200+ સીટ જીતવાનો ટાર્ગેટ આપી દીધો છે. આ દરમિયાન મમતા પણ ભાજપ સરકારને સખતની ટક્કર આપી રહ્યાં છે, પરંતુ કેટલા સફળ થશે એ તો સમય જ બતાવશે. ભાજપે દર વખતની જેમ અને દરેક બિનભાજપ રાજ્યોમાં અપનાવે છે એવી રાજનીતિ અપનાવીને તૃણમૂલના સભ્યો તોડવાની શરૂઆત કરી દીધી છે. આમ, આ સંજોગોમાં માની શકાય છે કે ભાજપ તૃણમૂલમાંથી તૃણ-તૃણ (તણખલાં) ભેગાં કરીને બંગાળમાં ભાજપનો માળો બાંધી જ દેશે. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસમાં તૃણમૂલના ચાર સિનિયર નેતાઓએ પાર્ટી છોડી છે અને તેઓ ભાજપમાં જોડાશે એવી સંપૂર્ણ શક્યતા છે.

શુક્રવારે પાર્ટીના અલ્પસંખ્યક સેલના મહાસચિવ કબીરુલ ઈસ્લામે પાર્ટી છોડી છે. આ પહેલાં સિનિયર ધારાસભ્ય શુભેદું શીલભદ્ર દત્તા અને આસનસોલ નગર નિગમના ચેરમેન તથા ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. પહેલા દિવસે તેમણે રામકૃષ્ણ મિશન જઈને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર પછી તેઓ સ્વાતંત્ર્યસેનાની ખુદીરામ બોઝના ઘરે ગયા અને તેમનાં પરિવારજનોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે ખુદીરામ બોઝના ઘરે આવીને નવી ઊર્જાનો અનુભવ થઈ રહ્યો છે. તેમની સાથે પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા.

બે દિવસની મુલાકાતમાં તેઓ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીનું માળખું તૈયાર કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ આવ્યા પછી અહીંનો ચૂંટણીમોર્ચો અમિત શાહ જાતે જ સંભાળી રહ્યા છે.

અમિત શાહ મિદનાપુરમાં આજે રેલી કરવાના છે. આ દરમિયાન સંભળાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીથી નારાજ ટીએમસીના 9 ધારાસભ્ય અને એક સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમાં હાલ પાર્ટી છોડનાર તાકાતવર નેતા શુભેંદુ અધિકારી સિવાય ધારાસભ્ય શીલભદ્ર દત્તા સામેલ છે.

મમતા સાથેની ખેંચતાણ અને ચૂંટણીને કારણે આ પ્રવાસ મહત્ત્વનો

આ સમયે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો અને રાજ્ય અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ ન હોવાથી ખેંચતાણ વધી ગઈ છે. આ દરમિયાન અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે. અહીં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે. પહેલાં નડ્ડા એક દિવસની મુલાકાતે ઉત્તરી બંગાળ ગયા હતા. થોડા દિવસ પહેલાં જ તેઓ ફરી બે દિવસની મુલાકાતે ગયા હતા.

19 ડિસેમ્બરે શાહનો કાર્યક્રમ

સવારે અમિત શાહે કોલકાતામાં શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમમાં સવારે 10.45 વાગે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી.

બપોરે 12.30 વાગે મિદનાપુરમાં મા સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા કરશે. ત્યાર પછી અહીં સ્વાતંત્ર્યસેનાની ખુદીરામ બોસને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર પછી 1.25 વાગે દેવી મહામાયાના મંદિરે પૂજા કરશે.

અહીંથી શાહ મિદનાપુરના બેલિજુરી ગામ જશે અને અહીં એક ખેડૂત પરિવારના ઘરે જમશે.

2.30 વાગે મિદનાપુર કોલેજ મેદાનમાં રેલી કરશે.

સાંજે 7.30 વાગે ધી વેસ્ટિન કોલકાતામાં રાજ્યના કેન્દ્રીય મંત્રીઓ, સંગઠન સચિવ, ઝોનલ પર્યવેક્ષકો અને પ્રદેશ ભાજપ મહાસચિવ સાથે ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે.

200+નો ટાર્ગેટ રાખ્યો છે, લોકસભામાં મળી હતી 18 સીટ

ભાજપે 2021માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 249 સીટમાંથી 200 પ્લસ સીટનો લક્ષ્યાંક રાખ્યો છે. શાહ અને નડ્ડા ઘણી વખત જાહેર મંચ પરથી આ જાહેરાત કરી ચૂક્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે બંગાળની 42માંથી 18 સીટ ભાજપના ખાતામાં ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here