મુંબઈએ કોલકાતાને 8 વિકેટે હરાવ્યું : કપ્તાન બદલવા છતાં કોલકાતા હાર્યું : મુંબઈ જીતની સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું,

0
3

IPLની 13મી સિઝનની 32મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે અબુધાબીમાં રમાઈ હતી. 149 રનના વિજય લક્ષ્યાંકને મુંબઈની ટીમે 17મી ઓવરમાં 2 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા.કપ્તાન બદલવા છતાં કોલકાતા હાર્યું હતું. મુંબઈની ટીમ જીતની સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.​​​​​​

મુંબઈની ઈનિંગ 149 રનના વિજય લક્ષ્યાંક પીછો કરતા રોહિત શર્મા અને કવિન્ટન ડી કોકે મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી. 11મી ઓવરમાં રોહિત શર્મા 36 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો. શિવમ માવીએ વિકેટ લીધી હતી.

આ સિઝનમાં મુંબઈના ઓપનર વચ્ચે પ્રથમવાર 50થી વધારે રનની ભાગીદારી થઈ હતી. કવિન્ટન ડી કોકે IPLમાં 13મી ફિફ્ટી ફટકારી હતી. 14મી ઓવરમાં 111 રને મુંબઈની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમાર 10 રન બનાવી આઉટ થયો હતો. કોલકતા વતી વરુણ અને માવીએ એક એક વિકેટ લીધી છે.

કવિન્ટન ડી કોકના તોફાની 75 રન
ઈનિંગની શરૂઆતથી જ કવિન્ટન ડી કોકે તોફાની બેટિંગ કરી હતી. 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.

કોલકતાની ઈનિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા. 61 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, ત્યારે ઓઇન મોર્ગન અને પેટ કમિન્સે જવાબદારીપૂર્વક બેટિંગ કરી કોલકાતાને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યું હતું. ટોસ જીતીને બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં તેની પ્રથમ વિકેટ પડી હતી. રાહુલ ત્રિપાઠી 7 રન બનાવી આઉટ થયો હતો. રાહુલની વિકેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી છે. 6ઠ્ઠી ઓવરમાં કોલકાતાની બીજી વિકેટ પડી હતી. નીતીશ રાણા 5 રન બનાવી આઉટ થયો હતો.

રાહુલ ચહરે 8મી ઓવરમાં કોલકાતાને ડબલ ઝટકો આપ્યો
8મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ એમ બે બોલમાં તેણે બે વિકેટ લઈને કોલકતા માટે મુશ્કેલી સર્જી હતી. ગીલ પણ 21 રન પર આઉટ થયો હતો. કાર્તિક 4 રને બોલ્ડ થયો હતો.

11મી ઓવરમાં 61 રન પર કોલકતાની પાંચમી વિકેટ પડી હતી. આન્દ્રે રસેલ 12 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ બુમરાહે લીધી હતી.

ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ વચ્ચે 87 રનની ભાગીદારી

61 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ જતાં ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ કોલકાતાની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. પેટ કમિન્સે 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે મોર્ગને 29 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. બન્ને બેટ્સમેન નોટ આઉટ થયા હતા.

છેલ્લી બે ઓવરમાં 35 રન બન્યા

19મી ઓવર બોલ્ટે ફેંકી હતી જેમાં 14 રન બન્યા હતા. જ્યારે 20મી ઓવર નાથન કૌલ્ટર નીલે ફેંકી હતી. તેમાં 21 રન બન્યા હતા. આ ઓવરમાં મોર્ગને બે છગ્ગા માર્યા હતા. કોલકાતા વતી રાહુલ ચહરે બે વિકેટ, બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને બુમરાહે એક એક વિકેટ લીધી હતી.

બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી

બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી છે. તેણે 41 મેચમાં આ કીર્તિમાન પોતાના નામે કર્યો છે. લીગમાં તેની ઈકોનોમી 8.59 રહી છે. 19 રન આપીને તેણે 3 વિકેટ લીધી હતી તે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના મલિંગાના નામે છે, તેણે 122 મચમાં 170 વિકેટ લીધી છે.

કાર્તિકે સિઝનની વચ્ચે કપ્તાની છોડી

મેચ પહેલા આજે દિનેશ કાર્તિકે કોલકાતાનું સુકાનીપદ મોર્ગનને આપી દીધું હતું. કાર્તિકે કહ્યું હતું કે તેણે બેટિંગ ઉપર ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે.

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહ

કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક , નીતીશ રાણા, આન્દ્રે રસેલ, સીજે ગ્રીન, પેટ કમિન્સ, પ્રસિદ્ધ કૃષ્ણ, શિવમ માવી અને વરૂણc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here