સિયોલઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઈ દ્વીપના અસૈન્ય ક્ષેત્ર (ડીમિલિટ્રાઈઝ્ડ ઝોન, ડીએમઝેડ)માં રવિવારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં ટ્રમ્પે જી-20 સમિટમાં કિમને મળવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે અમેરિકાના સંબંધ સારા થયા છે. ગત એક વર્ષમાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત છે. આ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે પહેલી ત્રિપક્ષીય બેઠક પણ છે.
આ પહેલાં ટ્રમ્પે અહીં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે પણ મુલાકાત કરી હતી. જે બાદ ટ્રમ્પે કહ્યું કે અમે ઉત્તર કોરિયાની સરહદ પર જઈ રહ્યાં છીએ અને ચેરમેન કિમની સાથે બેઠક કરીશ. હું તેમને મળવા માટે ઉત્સુક છું. અમારા સંબંધ ઘણાં સારા થઈ ગયા છે. અસૈન્ય ક્ષેત્ર 1950-53ના યુદ્ધ બાદથી કોરિયાઈ પ્રાયદ્વીપની વિભાજક રેખા છે. ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરી કિમને કોરિયાઈ પ્રાયદ્વીપના અસૈન્ય ક્ષેત્રમાં મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.
ટ્રમ્પ, કિમ અને મૂનની પહેલી બેઠકઃ મૂને કહ્યું હતું કે જો ટ્રમ્પ અને કિમ એક બીજાને મળે છે તો તે પણ અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે અસૈન્ય ક્ષેત્રની યાત્રાએ જશે. આ ઐતિહાસિક ઘટના હશે. કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગત કેટલાંક મહિનાઓથી કિમ અને ટ્રમ્પની વચ્ચે વાતચીતના અનેક પ્રયાસ થયા છે.
પરમાણુ નિરસ્ત્રીકરણને લઈને બે વખત મુલાકાત થઈઃ કોરિયાઈ પ્રાયદ્વીપમાં પરમાણુ નિરસ્ત્રીકરણ કરવાને લઈને ટ્રમ્પ અને કિમ વચ્ચે ગત વર્ષે જૂનમાં સિંગાપુરમાં પહેલી બેઠક થઈ હતી. જે બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિયતનામની રાજધાની હનોઈમાં બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી જે નિષ્ફળ રહી હતી. બંને નેતાઓ વચ્ચે એક વર્ષની અંદર આ બીજી બેઠક હતી.