વડોદરા : ઇસ્કોન સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે, સેનેટાઇઝ થઇને જ ભક્તોને પ્રવેશ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ

0
2

વડોદરા. કોરોનાની દહેશત અને વરસાદી માહોલ વચ્ચે વડોદરાના ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો અને શહેરીજનો લોકો દ્વારા પોતાના ઘરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રે 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું છે.

ઇસ્કોન મંદિરમાં માસ્ક પહેર્યા વિના ભક્તોને પ્રવેશ નહીં મળે
વડોદરા શહેરના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજીએ જણાવ્યું કે, સવારથી જ મંદિરના સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોવિડ-19ના નિયમોના પાલન સાથે મંદિરના પૂજારી, સેવકો તેમજ શ્રદ્ઘાળુઓ દ્વારા ફૂલહાર, તોરણો, લાઇટીંગ, ફૂલોના કટઆઉટ અને પ્રસાદ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા માસ્ક પહેરીને પ્રસાદનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ માટે સેનેટાઇઝ ટનલ પણ બનાવવામાં આવી છે. મંદિરના પ્રવેશ દ્વાર તેમજ મંદિરના ગર્ભગૃહને ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે. કૃષ્ણ ભક્તિના ભજનોથી ગૂંજી રહેલા મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. જે શ્રદ્ધાળુ માસ્ક પહેરીને આવે છે. તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કલ્યાણરાયજી મંદિરમાં કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે
વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી-ચાંપાનેર રોડ પર આવેલા શ્રી કલ્યાણરાયજી મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે, પરંતુ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તે સિવાય ભગવાનના પંચામૃત સ્નાન સહિતની પૂજા-અર્ચના કરવામાં આવશે. અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પરંપરા મુજબ ભગવાનના જન્મોત્સવ પૂર્વે પૂજા-અર્ચના કરવામાં આવશે
માંજલપુર ખાતે આવેલી વૈષ્ણવ હવેલીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે રાત્રે 9:30 વાગ્યાથી મંદિર ખુલ્લુ રહેશે. સરકારની સૂચના અને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ હવેલીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હવેલીને દર વર્ષની જેમ આ વર્ષે પણ લાઇટીંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવી છે. પરંપરા મુજબ ભગવાનના જન્મોત્સવ પૂર્વે પૂજા-અર્ચના કરવામાં આવશે. જે લોકો માસ્ક પહેરીને આવશે તે લોકોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. તેમ વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું.

રાત્રે 12 વાગ્યાના ટકોરે મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠશે
આ ઉપરાંત વડોદરા શહેરના સ્વામિનારાયણ મંદિરોમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની સવારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરોમાં મર્યાદિત શ્રદ્ધાળુઓને જ પ્રવેશ આપવામાં આવનાર છે. જોકે, મંદિરમાં પંરપરાગત રીતે ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે. સવારથી મંદિરોમાં શ્રદ્ધાળુઓની આવન-જાવન રહી હતી. રાત્રે 12 વાગ્યાના ટકોરે મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગૂંજી ઉઠશે. તે સાથે શહેરના અનેક ઘરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને મનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે થતાં મટકીફોડના કાર્યક્રમો આ વખતે બંધ રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here