‘બિગ બોસ 14’માં વિવાદ : મરાઠી ભાષાનું અપમાન કરનાર કુમાર સાનુના દીકરા જાને માફી માગી, કહ્યું- ભવિષ્યમાં ક્યારેય આવી વાત કહીશ નહીં.

0
8

‘બિગ બોસ 14’નો સ્પર્ધક તથા પ્લેબેક સિંગર કુમાર સાનુનો દીકરો જાન કુમાર સાનુએ મરાઠી ભાષા અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. જોકે, હવે જાન કુમારે ‘બિગ બોસ’ના ઘરમાં માફી માગી હતી. કલર્સ ચેનલે પણ માફી માગીને જાન કુમારનો વીડિયો રિલીઝ કર્યો હતો.

બે મિનિટના આ વીડિયોમાં જાને કહ્યું હતું, ‘નમસ્તે, મારું નામ જાન કુમાર સાનુ છે. થોડાં દિવસ પહેલાં મે અજાણતા જ એક ભૂલ કરી હતી. આ ભૂલને કારણે મરાઠી લોકો તથા તેમની લાગણીને ઠેસ પહોંચી છે. હું આ વાત માટે સોરી કહું છું, મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કોઈને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. ‘બિગ બોસ સોરી’, મારા કારણે તમે શરમમાં મૂકાયા. ભવિષ્યમાં હું આ વાત ક્યારેય રિપીટ કરીશ નહીં.’

 

કેમ વિવાદ થયો હતો?

27 ઓક્ટોબર, 2020ના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં જાને સ્પર્ધક નિક્કી તંબોલીએ મરાઠીમાં વાત કરતાં વાંધો ઉઠાવ્યો હતો. જાને નિક્કીને કહ્યું હતું, ‘મરાઠીમાં વાત ના કરીશ, મને ચીડ ચઢે છે. જો મારી સામે મરાઠીમાં વાત ના કરીશ, નહીંતર કંઈક સંભળાવીશ તને. દમ હોય તો હિંદીમાં બોલ નહીંતર વાત ના કરે. ચીડ ચઢે છે મને તો.’

આ વાત ઑન એર થઈ તો વિવાદ થયો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ફિલ્મ વર્કર્સ યુનિયન ચીફ અમેય ખોપકરે જાનની કમેન્ટ પર વિરોધ પ્રગટ કરતા કહ્યું હતું, ‘જો 24 કલાકની અંદર જાન કુમાર સાનુએ ‘બિગ બોસ’ના ઘરમાં માફી ના માગી તો શોનું શૂટિંગ થવા દેવામાં આવશે નહીં. જે કોઈએ મહારાષ્ટ્રમાં રહેવું છે તે તમામે મરાઠી ભાષાનું સન્માન કરવું પડશે.’

જોકે, જાને માફી માગી હોવા છતાંય MNS તેને માફ કરવાના મૂડમાં નથી. અમેય ખોપકરે કહ્યું હતું કે જાનને તેની અસલી જગ્યા બતાવવામાં આવશે. તેઓ એ વાત સુનિશ્ચિત કરશે કે જાનને મુંબઈમાં કામ ના મળે. જે વ્યક્તિ મરાઠી ભાષાને નફરત કરે છે, તે મહારાષ્ટ્રની બહાર જ રહેવી જોઈએ.

ચેનલે પણ માફી માગી છે

જાનની માફી પહેલા કલર્સ ચેનલે મહારાષ્ટ્ર સરકારની માફી માગી હતી. ચેનલે 28 ઓક્ટોબરે માફી માગતા કહ્યું હતું, ’27 ઓક્ટોબર, 2020ના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં મરાઠી ભાષાના સંદર્ભમાં વિરોધ કરવામાં આવ્યો છે. અમે આ વાતને ધ્યાનમાં રાખીને તે પાર્ટને શોમાંથી હટાવી દીધો છે. અમે અજાણતા જ મહારાષ્ટ્રના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને અમે માફી માગીએ છીએ. અમે મરાઠી બોલનાર જનતાનું સન્માન કરીએ છીએ. દેશમાં બોલાતી તમામ ભાષાને બરોબરનું સન્માન આપીએ છીએ.’

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here