કોંગ્રેસ દ્વારા સરકારને ભીંસમાં લેવાના મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનાં પગલે કોંગ્રેસ દ્વારા વધુ એક વખત સરકારનો વિરોધ કરવા માટે કોવિડ 19 ન્યાય યાત્રા રાજય સ્તરે યોજવાનું નક્કી કરાયું છે. ત્યારે આ યાત્રાના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા અને શહેર પ્રમુખ દ્વારા અલગ અલગ આમંત્રણ પાઠવવામાં આવ્યા હોવાથી કોંગ્રેસમાં સંકલનનો અભાવ હોવાનું ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસી આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોરોના મહામારીના સંક્રમણ, આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારને કાયદાકીય જોગવાઈ મુજબ રૂ. 4 લાખનું વળતર,કોરોના સંક્રમિત તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર ખર્ચની તરત ચુકવણી, કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવી તેમજ કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરીયરના વારસદારોને કાયમી નોકરી આપવાની મુખ્ય માંગણીઓ સાથે કોવિડ ન્યાય યાત્રાનું તા. 15મી ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે.
જે અંતર્ગત સમગ્ર રાજ્યના દરેક જિલ્લા–શહેર અને તાલુકા દીઠ ‘કોંગ્રેસ કોવિડ વોરીયર’ના સંકલનની જવાબદારી સોપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં મહાનગરના સેક્ટર દીઠ, નગરપાલિકાના વોર્ડ દીઠ અને ગ્રામીણમાં તાલુકા પંચાયતની સીટ દીઠ ‘કોંગ્રેસ કોવીડ વોરીયર’ની પસંદગી કરવામાં આવશે. સમગ્ર રાજ્યના કોંગ્રેસ કોવીડ વોરીયર દ્વારા સ્થાનિક કક્ષાએ દરેક ગામ અને બુથ દીઠ ‘કોંગ્રેસ કોવીડ સહાયક’ની નિમણુંક પણ કરવામાં આવશે.
અન્ય જિલ્લાની જેમ ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા કાઢવાનું આયોજન કરાયું છે. ત્યારે પ્રદેશ કક્ષાએથી આદેશો મળ્યા હોવા છતાં જિલ્લા અને શહેર પ્રમુખ દ્વારા એક જ કાર્યક્રમ માટે અલગ અલગ પ્રેસવાર્તા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. શહેર પ્રમુખ પ્રદીપ સિંહ વાઘેલાએ ગઈકાલે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પ્રેસવાર્તા યોજાવાની જાહેરાત કરી હતી પછીથી તેને કેન્સલ પણ કરી દેવામાં આવી હતી.
ત્યારે આજે ફરી પાછું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી દ્વારા પણ એમ.એસ બિલ્ડીંગ તાલુકા પંચાયત ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું છે. ત્યારે જિલ્લા પ્રમુખ સૂર્ય સિંહ ડાભીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, શહેર કોંગ્રેસ દ્વારા પણ પ્રેસવાર્તાનું આયોજન કરાયું હતું તેની મને ખબર નથી. આમ જિલ્લા પ્રમુખને જ ખબર હોતી નથી કે ગાંધીનગરમાં કોંગ્રેસ કઈ દિશામાં કામગીરી કરી રહી છે.
એકજ કાર્યક્રમ માટે શહેર – જિલ્લા તરફથી અલગ અલગ આમંત્રણ પાઠવવામાં આવતા હાલ તો કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચા થવા લાગી છે કે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ સંકલનનો અભાવ હોય ત્યારે કોંગ્રેસ ક્યાંથી બેઠી થવાની છે.