મહેસાણા : ભગવાન સૂર્યનારાયણનું 1000 વર્ષ પ્રાચીન સૂર્યમંદિર જ્યાં આવેલું છે તે મહેસાણાના મોઢેરા ગામને સોલાર વિલેજ બનાવવા નજીકના સુજાણપુરા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ નાંખવા 11 હેક્ટર જમીન જીપીસીએલને જિલ્લા કલેકટર દ્વારા ફાળવી દેવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ખર્ચથી સાકાર થનાર છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 65 કરોડના ખર્ચનો અંદાજ છે. સોલાર પ્લાન્ટ શરૂ થતાં ગામના પ્રત્યેક ઘર અને સ્ટ્રીટલાઇટ સહિતના વીજ ઉપકરણો સૌરઊર્જાથી ઝળહળી ઉઠશે.
સૂર્યમંદિરનું તેજ ગામના પ્રત્યેક ઘરમાં સૌરઊર્જા થકી પ્રજ્જવલિત કરતો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનથી ભારત સરકારે સોલાર વિલેજ પ્રોજેક્ટ તરીકે દેશમાં મોઢેરાની પસંદગી કરી છે. આ પ્રોજેક્ટની પ્રપોઝલ ગુજરાત પાવર કોર્પોરેશન લી.થી મગાવાઇ હતી. જેમાં સૌરઊર્જા ઉત્પન્ન કરવા સોલાર પ્લાન્ટ નાંખવા સુજાણપુરા સીમ પસંદ કરાઇ છે. જ્યાં 11 હેક્ટર એટલે કે 47 વીઘા (1.10 લાખ ચોરસ મીટર) જમીન જિલ્લા કલેકટર દ્વારા જીપીસીએલને ફાળવી દેવાઇ છે.
મોઢેરાને સોલાર વિલેજ બનાવવાની પ્રપોઝલ તૈયાર કરી જીપીસીએલ દ્વારા ભારત સરકારને મોકલી અપાઇ છે, જે મંજૂર થયે પ્રોજેક્ટ કાર્ય શરૂ થશે. જેમાં તમામ ઘર, જાહેર સ્ટ્રીટલાઇટ, સરકારી બિલ્ડિંગો, ચાર શાળા, એક સરકારી હોસ્પિટલ, ગ્રામ પંચાયત સહિતની મિલકતોને આવરી લઇ સોલાર પ્લાન્ટથી કેબલ નેટવર્ક મારફતે સૌરઊર્જા પહોંચાડાશે.
7000ની વસતીના ગામમાં સર્વે પૂર્ણ
મોઢેરાનાં મહિલા સરપંચ મેનાબેનના પતિ કાળાભાઇ વાલ્મિકીએ કહ્યું કે, સૌરઊર્જા માટે ગામમાં સર્વે કરાયો હતો, પછી કંઇ આગળ વધ્યાનું જાણમાં નથી. ગામમાં 7000ની વસતી અને 1580 મકાન છે. ચાર શાળા, એક હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સૂર્યમંદિર, ગ્રામ પંચાયત વગેરે મિલકતો છે. સોલારવિલેજ બનાવવામાં ઘરદીઠ લાઇનમાં ડિપોઝિટ ભરવાની થાય તો ગ્રામજનો સંમત છે.