વડોદરા : ઝાડેશ્વરનગર ULC વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની બાઇક સળગાવીને પથ્થરમારો કર્યો, ASI ઇજાગ્રસ્ત

0
0

વડોદરા શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. આ બનાવ દરમિયાન પસાર થઇ રહેલી જે.પી. પોલીસ મથકની PCR વાન સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અને એક પોલીસ જવાનની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરાયેલા હુમલામાં PCR વાનના ASIને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ વસાહતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસ કંઇ વિચારે અને તે પહેલા જ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો

વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગ ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી જે.પી. પોલીસ સ્ટેશનની PCR વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઉભી થઇ ગઇ હતી. અને મામલો થાળે પાડવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ કંઇ વિચારે અને તે પહેલા જ ઝઘડો કરી રહેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અને LRD જવાન દેવેન્દ્રભાઇની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થર મારામાં અને હુમલામાં PCR વાનના ASI વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ASIને તુરંત જ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હુમલામાં તેઓને હાથમાં ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

ઉશ્કેરાયેલા ટોળાએ બાઇક સળગાવી હતી
(ઉશ્કેરાયેલા ટોળાએ બાઇક સળગાવી હતી)

 

પોલીસ પકડવા માટે આવી હોવાનું અનુમાન લગાવી પોલીસ પર પથ્થરમારો કર્યો

ઉલ્લેખનિય છે કે, મંગળવારે સવારે ખોડીયારનગરમાં દેવી પૂજક સમાજનો ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કોવિડ-19ની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાડતા ઉત્સવ અંગે પોલીસે સમાજના આયોજકો સહિત 50 જેટલા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે આ ઉત્સવમાં જોડાયેલા સમાજના લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર આવેલ ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહતમાં મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો રહે છે. સમાજના લોકોને ખોડીયારનગરના ઉત્સવના બનાવના સંદર્ભમાં પોલીસ પકડવા માટે આવી હોવાનું અનુમાન લગાવી પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું મનાઇ રહ્યું છે.

PCR વાનના ASI વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી
(PCR વાનના ASI વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી)

 

પોલીસે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ જે.પી. પોલીસ મથકના પી.આઇ. ડી.કે. વાઘેલાને થતાં તેઓ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. જે.પી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઇકને આગચંપી કરીને નુકસાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

ઘટના સ્થળે પોલીસની ટીમ
(ઘટના સ્થળે પોલીસની ટીમ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here