નેતાઓ અને જજની ફોન ટેપિંગ માધ્યમથી જાસૂસી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો

0
0

કેન્દ્ર સરકાર દ્વારા દેશના કેટલાક પત્રકારો, નેતાઓ અને જજની ફોન ટેપિંગ માધ્યમથી જાસૂસી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈઝરાયેલના સોફ્ટવેર પેગાસસની મદદથી જાસૂસીના વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે પણ ગુજરાતમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓના ફોન ટેપ થવાના વખતોવખત તેમની પર આક્ષેપો થયા હતા. આ તમામ આક્ષેપોનું સંકલન કરીને અહીં એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.

ગુજરાત ભાજપના હાલના મહામંત્રી અને તે સમયે મોદીના વિરોધી ગોરધન ઝડફિયા ઉપરાંત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ તથા શંકરસિંહ વાઘેલાએ પણ ફોન ટેપિંગના મામલે મોદી અને અમિત શાહ મામલે ગંભીર આક્ષેપો કરી તપાસની માંગણી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક મહિલાની જાસૂસી કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે તપાસની પણ માંગણી કરી હતી.

ગોરધન ઝડફિયાની ફાઈલ તસવીર

ગોરધન ઝડફિયાએ 2005માં ટેપિંગનો આક્ષેપ કર્યો
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ દ્વારા પોતાના ફોન ટેપ કરતા હોવાનો ગોરધન ઝડફિયાએ આક્ષેપ કર્યો હતો. વર્ષ 2005માં નરેન્દ્ર મોદી મંત્રી મંડળનું વિસ્તરણ હતું, જેના માટે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ગોરધન ઝડફિયાએ મંત્રીપદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને રડતાં રડતાં નરેન્દ્ર મોદી તેમની વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે અને ફોન ટેપ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

શક્તિસિંહ ગોહિલે સ્વ.હરેન પંડ્યાના ફોન ટેપ થયાનો આક્ષેપ કર્યો
આ પહેલા ગુજરાત સરકારે ભૂતકાળમાં સ્વ. હરેન પંડ્યા સહિતના આગેવાનોના ફોન ટેપ કર્યા હોવાના આક્ષેપ 2011માં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કર્યા હતા. જોકે આ આક્ષેપને ફગાવતા ભાજપના તત્કાલિન પ્રદેશ પ્રવક્તા વિજય રૂપાણી અને આઈ. કે. જાડેજાએ રાજ્ય સરકારે સ્વ. પંડ્યાના ફોન ટેપ કર્યા હોવાનો પુરાવો જાહેર કરવા વિપક્ષી નેતાને પડકાર ફેંક્યો હતો અને ફોન ટેપ કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે અને ગુજરાત સરકાર ફોન ટેપ કરતી હોય તો કેન્દ્રની કોંગ્રેસ સરકાર તેની વિગતો કેમ જાહેર કરતી નથી? એવો સવાલ પણ કર્યો હતો.

આ તસવીર પ્રતિકાત્મક છે.

કોબ્રા પોસ્ટમાં 2009માં એક યુવતીના ફોન ટેપિંગનો આક્ષેપ
આ ઉપરાંત 2013માં પણ નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ન્યુઝ પોર્ટલ કોબ્રા પોસ્ટ અને ગુલેલે એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ અને અમદાવાદમાં એટીએસના એસપી તરીકે રહેલા જી.એલ.સિંઘલ વચ્ચેની 4 ઓગસ્ટ 2009 અને 6 ડિસેમ્બર 2009ની વચ્ચે વાતચીતના અંશ રજૂ કર્યા હતા. તેમાં અમિત શાહ સિંઘલને એક છોકરીની એક-એક મિનિટની જાણકારી આપવાનો આદેશ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસથી સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની શાખને નુકસાન પહોંચ્યું હતું અને કોંગ્રેસ દ્વારા તેમની વિરુદ્ધ તપાસની માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે તપાસ પંચની સમિતિની રચના કરી હતી
ગુજરાત પોલીસ તરફથી એક મહિલાની જાસૂસી કરાવવાના મામલામાં ચારે તરફથી હુમલાનો સામનો કર્યા બાદ નરેન્દ્ર મોદીની સરકારે આ મામલે તપાસ માટે હાઇકોર્ટની સેવાનિવૃત્ત મહિલા ન્યાયાધીશની અધ્યક્ષતામાં બે સભ્યોવાળા પંચની સમિતિ રચી હતી. ગુજરાત હાઇકોર્ટના સેવાનિવૃત્ત જજ સુજ્ઞાબેન ભટ્ટ અને રાજ્યના સેવાનિૃત્ત વધારાના મુખ્ય સચિવ કે.સી. કપૂર આ તપાસ સમિતિના સભ્યો બનાવાયા હતા. આ પંચને ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારે તે સમયે નિવેદન આપ્યું હતું કે, સરકારે તપાસ પંચ અધિનિયમ 1952 અંતર્ગત બે સભ્યોવાળા પંચને બેસાડ્યું છે, જે આની તપાસ કરશે અને રિપોર્ટ રજૂ કરશે. સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના તે સમયના વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ કરતા એવો આરોપ લગાવ્યો હતો કે, મહિલાના ફોન કથિત ગેરકાનૂની રીતે ટેપ કરાવવામાં આવ્યા અને તપાસની આ જાહેરાતને નુકસાનની ભરપાઇ કરવાના પ્રયાસના રૂપે જોવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની ફાઈલ તસવીર
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની ફાઈલ તસવીર

‘ગેરકાયદેસર ટેલીફોન ટેપિંગ અને સર્વેલન્સએ અક્ષમ્ય ગુનો’
શક્તિસિંહ ગોહિલે કર્યો હતો આક્ષેપ જો મહિલાને કોઈ પણ વ્યક્તિ તરફથી પરેશાની થતી હોય અને મુખ્યમંત્રી પાસે કોઈ ફરિયાદ કરે તો મુખ્યમંત્રીની જવાબદારી છેકે ફરીયાદીની લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવીને પરેશાન કરનાર વ્યક્તિને જેલ ભેગી કરવી જોઈએ. આવું કોઈ પગલું ભરવાના બદલે સમગ્ર પ્રજાના રક્ષણ માટેના તંત્રને ગેરકાયદેસર જાસુસી માટે કામે લગાડવાનું એ કેવી રીતે વ્યાજબી ઠેરવી શકાય? સુપ્રિમ કોર્ટે ટેલીફોન ટેપિંગના સંદર્ભમાં સ્પષ્ટ માર્ગદર્શક સૂચનાઓ આપી છે, તે તમામનું ઉલંઘન કરીને ગેરકાયદેસર ટેલીફોન ટેપિંગ અને સર્વેલન્સ એ અક્ષમ્ય ગુનો બને છે, અને તેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રીની જ બને છે કારણકે સબંધિત મહિલાના પિતા એજ પોતાના પત્રથી કહ્યું છે કે પોતે મુખ્યમંત્રીને ફરિયાદ કરી અને માટે જ આ બધુ જ અપકૃત્ય મુખ્યમંત્રીની સુચના થીજ થયું હતું.

શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ પણ કર્યા હતા આક્ષેપ
ગાંધીનગર સર્કિટ હાઉસમાં સ્નેહમિલન કાર્યક્રમમાં પીઢ કોંગ્રેસી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિ‌લાઓની સલામતી જોખમમાં છે ત્યારે એક દીકરી માટે આપણા સાહેબ’આટલા ચિંતિત કેમ છે? તે પ્રશ્ન છે. ગુજરાતની મહિ‌લાઓએ આ સમજવા જેવી બાબત છે. એક મહિ‌લાની જાસૂસી અને ફોન ટેપિંગ કરાવવાના કિસ્સામાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓનો ભોગ લેવાય, પ્રમોશનથી વંચિત રાખવા પડે? જુઠાણું ભાજપની ગળથૂંથીમાં છે. સત્તા પર બેઠેલા શાસકો પોતાના અંગત સ્વાર્થ માટે પોલીસનો દુરુપયોગ કરે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મહિ‌લાની જાસૂસી અંગે સુપ્રીમ કો‌ર્ટ કે હાઇકો‌ર્ટના સીટિંગ જજ દ્વારા અથવા સીટિંગ જજના માર્ગદર્શનમાં સીટ તપાસ કરે તેવી માગણી કરતા કહ્યું હતું કે, ભાજપમાં હિંમત હોય તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું રાજીનામું માંગી લે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફાઈલ તસવીર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફાઈલ તસવીર

અરવિંદ કેજરીવાલે મહિલા આયોગને પત્ર લખ્યો હતો
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે 2016માં પીએમ મોદી વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા આયોગને (NCW) પત્ર લખીને માંગણી કરી હતી કે, ગુજરાત મહિલા જાસૂસી કેસમાં પીએમ મોદી વિરુદ્ધ તપાસ કરવામાં આવે. તેમને આ મામલે પીએમ મોદીની સાથે અમિત શાહ વિરુદ્ધ પણ તપાસની માંગણી કરી હતી. કેજરીવાલે રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખને લખેલા પોતાના પત્રમાં કહ્યું હતું, “હું તેની સાથે સંબંધિત દસ્તાવેજ અને ડિજિટલ પુરાવાઓને પણ લગાવી રહ્યો છું કે કેવી રીતે મોદી અને શાહે પોતાના કરતા અડધી ઉંમરની એક યુવા મહિલાની જાસૂસી કરી હતી. જેથી હું તમને અનુરોધ કરું છું કે આ સંબંધમાં તપાસ શરૂ કરે અને બન્ને વિરુદ્ધ દરેક સંભવ કડક કાર્યવાહી કરવામાં આવે.”

શંકરસિંહ વાઘેલાએ આજે ફરી ટ્વીટ કરી ફોન ટેપિંગ મામલે આક્ષેપો કર્યા
શંકરસિંહ વાઘેલાએ આજે ફરી ટ્વીટ કરી ફોન ટેપિંગ મામલે આક્ષેપો કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here