વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : વાયદા બજાર વિશે જાણો

0
0

આજે આપણે કોમોડિટી વાયદા બજાર શું છે, કોમોડિટીમાં ટ્રેડિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, કોમોડિટીમાં ટ્રેડિંગ કરતી વખતે શું તકેદારી રાખવી જોઈએ અને હેજિંગ વિશે વિગતવાર જોઈશું.

મિત્રો તમે બધા કોમોડિટીના હાજર બજારથી તો પરિચિત હશો જ, પરંતુ ઘણા એવા લોકો છે જેને વાયદા બજાર શું છે તેના વિશે કશું જાણતા જ નથી તો આજે આપણે આ બંને બજારો વિશે વિગતે જોઈશું.

સૌપ્રથમ તો ઘણા લોકોને મનમાં એ પ્રશ્ન હશે કે આ કોમોડિટી શું છે, તો કોમોડિટી એટલે એવા પ્રકારની વસ્તુ કે જેનું ઉત્પાદન થઈ શકે, તેનું ખરીદ-વેચાણ થઈ શકે અને તેનો ઉપયોગ થઈ શકે તે બધી વસ્તુને આપણે કોમોડિટી કહી શકીએ.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : વાયદા બજાર વિશે જાણો

કોમોડિટી વાયદા બજારોમાં આવી કોમોડિટીના વાયદાના કોન્ટ્રેક્ટ્સના વેપાર થાય છે, જેને કોમોડિટી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ પણ કહેવાય છે. તો હવે સવાલ એ થાય કે આ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ વળી કઈ બલા છે. તમે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જાવ તો ત્યાં તમે પૈસા આપો છો અને તુરંત વસ્તુની ડિલિવરી તમને આપવામાં આવે છે, એવી જ રીતે કોઈ ખેડૂત એપીએમસી માર્કેટ કે જથ્થાબંધ બજારમાં તેની ઊપજ વેચવા જાય છે ત્યારે ત્યાં તેની ઊપજના ખરીદનાર તેને તુરંત પૈસાની ચુકવણી કરી છે અને ખેડૂત તેને તુરંત તેની ઊપજની ડિલિવરી આપે છે, તો ટૂંકમાં કહીએ તો પૈસા આપો અને તુરંત ડિલિવરી થાય તે માર્કેટને આપણે હાજર બજાર અથવા તો સ્પોટ માર્કેટ અથવા તો કેશ માર્કેટ કહી શકો છો.

હવે વાયદા બજાર આનાથી થોડું અલગ છે. શેરબજારથી તો તમે બધા પરિચિત હશો જ, તો શેરબજારમાં જેમ ઓનલાઈન સોદા થાય છે, તેવી રીતે વાયદા બજાર પણ એક એવા પ્રકારનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ચોક્કસ વસ્તુને ચોક્કસ ભાવે ભવિષ્યની ચોક્કસ તારીખે ખરીદવા કે વેચવાનો એક કરાર કરે છે, જેને વાયદાનો કોન્ટ્રેક્ટ્સ કહેવામાં આવે છે. વાયદા બજાર પર સોના-ચાંદી ઉપરાંત બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કપાસ, કોટન વગેરે ચીજોના વાયદાનાં કામકાજ થતા હોય છે. વાયદા બજાર પર ઉત્પાદકો, વેપારીઓ, ખેડૂતો, નિકાસકારો અને રોકાણકારો વગેરે સહભાગી થતા હોય છે.

હવે આપણે પાછા મૂળ વાત પર આવીએ તો હાજર બજાર અને વાયદા બજારમાં બીજો ફરક શું છે, તો હાજર બજારમાં સમજો તમે જ્વેલર્સની શોપ પર સોનું લેવા જાવ છો તો તમારે પૂરા પૈસાની ચૂકવણી કરવી પડે છે, જ્યારે વાયદા બજારમાં તમે સોનું ખરીદો ત્યારે તમારે 5થી 7 ટકા જેટલું જ માર્જિન ચુકવવું પડે છે.

ધારો કે ત્રણ કે છ મહિનામાં તમારા ઘરમાં કોઈના મેરેજ આવવાના છે અને તમારે સોનાની જરૂર પડવાની છે, તો તમને બધાને તો ખ્યાલ જ હશે કે જ્યારે પણ મેરેજની સિઝન આવે ત્યારે સોના-ચાંદીના ભાવ આસમાને ચડી જતા હોય છે, તો તમારી પાસે બે વિકલ્પ રહે છે, કાં તો તમે અત્યારે નીચા ભાવે સોનું ખરીદી લો, નહીંતર લગ્ન આવવાના સમયની થોડા દિવસ પહેલાં સોનું ખરીદો. જો અત્યારથી સોનું ખરીદો તો તમારે તેને સંગ્રહ કરવા માટે લોકર રાખવાની જરૂર પડશે કારણ કે ઘરે રાખવામાં ચોરી થવાનો ડર રહે છે તો લોકરનો ખર્ચ થાય અને બીજું તમે પૂરા પૈસા ચૂકવ્યા છે એટલે તમારા પૈસા પણ બ્લોક થઈને પડ્યા રહે છે.

હવે જો તમે જ્વેલર્સને ત્યાંથી સોનું ખરીદવાને બદલે જો વાયદા બજાર પર સોનું ખરીદો તો અત્યારે તમારે માત્ર 5થી 7 ટકા જેટલું જ માર્જિન ચૂકવવું પડે છે એટલે તમારા બાકીના પૈસાનો તમે થોડા સમય માટે બીજે ઉપયોગ પણ કરી શકો છો, બીજું તમને કોન્ટ્રેક્ટ પાક્યા બાદ સોનાની ડિલિવરી મળે છે એટલે ત્યાં સુધી તમારે તેને જાળવવાના ખર્ચની ચિંતા રહેતી નથી કે ચોરીનો ડર રહેતો નથી. બીજી બાજું કોઈ જ્વેલર્સ જો ઘરેણાનો ઓર્ડર લે અને તેને ઘરેણાં તૈયાર કરતા સમય લાગવાનો હોય અને તે સમયગાળામાં તેને ભાવ ઘટી જવાનો ડર રહેતો હોય તો તે વાયદા બજાર પર સોદો કરીને પોતાનો ભાવ બાંધી લઈ શકે છે.

એવી જ રીતે કોઈ ખેડૂતે કપાસ વાવ્યો છે અને તેનો કપાસ ત્રણ મહિના કે છ મહિનામાં તૈયાર થવાનો છે અને તેને એવો ડર છે કે ત્રણ કે છ મહિના પછી કપાસ કે કોટનના ભાવ ઘટી જશે. તો આવા ભાવ ઘટી જવાના જોખમ સામે ખેડૂત તેનો કપાસ વાયદા બજાર પર અગાઉથી જ ઊંચા ભાવે વેચીને તેનો ભાવ બાંધી લઈ શકે છે, તેવી જ રીતે કોઈ કાપડનું ઉત્પાદન કરતી કંપનીને કાપડના ઓર્ડર સામે કપાસ કે કોટનના ભાવ વધી જવાનો ડર રહેતો હોય તો તે પહેલેથી જ વાયદા બજાર પર કપાસ કે કોટન નીચા ભાવે ખરીદીને તેનો ભાવ બાંધી શકે છે. આમ વાયદા બજાર પ્રત્યેક સહભાગીઓને મદદરૂપ બની શકે છે.

બીજું ખેડૂતને કોમોડિટીના ભાવનો આગોતરો અંદાજ મળે છે એટલે ભવિષ્યમાં કઈ કોમોડિટીઝનો કેટલો ભાવ હશે તે જાણીને કઈ કોમોડિટીની વાવણી કરવી તે નક્કી કરી શકે છે, દા.ત. ત્રણ કે છ મહિનામાં કોટનના ભાવ વધવાના હોય તો ખેડૂત કોટન વાવશે અને જો કોટનના ભાવ ઘટવાના લાગતા હોય તો બીજી કોઈ કોમોડિટીઝ વાવશે. એટલે કે તેને ક્યો પાક લેવો તે નક્કી કરી શકે છે. તો ભાવશોધની પ્રક્રિયા પણ વાયદા બજાર પર થઈ શકે છે.

વાયદા બજારમાં તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમારે શેરબજાર માટે તમે જેમ બ્રોકર પાસે જઈને તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવો છો, તેવી જ રીતે તમારે કોમોડિટીઝ માટે પણ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને કોમોડિટીઝની ડિલિવરી માટે એક બીજું કોમરીઝ એકાઉન્ટની જરૂર પડતી હોય છે. તેના માટે એક્સચેન્જ અને સેબીમાં રજિસ્ટર થયેલા બ્રોકર પાસે જ એકાઉન્ટ ખોલાવવું જોઈએ, સેબીનો રજિસ્ટર નંબર નહીં ધરાવતા બ્રોકર્સને ડબ્બા ઓપરેટરો કહેવામાં આવે છે, જે ગેરકાયદે છે અને તેમાં તમારા પૈસા જવાનો પૂરેપૂરો ચાન્સ રહે છે, કારણ કે તમારા જે સોદા થાય તે માત્ર તે ડબ્બા ઓપરેટરના કોમ્પ્યુટરમાં જ રહેતા હોય છે, આવા સોદાની નોંધણી એક્સચેન્જ કે સેબીને પહોંચતી નથી હોતી, એટલે જો આવા ડબ્બા ટ્રેડર્સ પોતાના કોમ્પ્યુટરના ડબલા લઈને ક્યારેક ઊપડી જાય તો તમારે પૈસા ગુમાવવાનો વારો આવે છે, એટલે તેને ડબ્બા ટ્રેડિંગ કહે છે, તો મિત્રો આવા ડબ્બા ટ્રેડિંગથી સંભાળજો.

વાયદા બજાર સાથે એક શબ્દ જોડાયેલો છે હેજિંગ. આ હેજિંગ એટલે વાયદા કે ઓપ્શન બજારમાં લીધેલી એવી પોઝિશન કે જે હાજર બજારથી વિપરીત હોય. આથી ભાવમાં અણચિંતવ્યા ફેરફારને ઘટાડી શકાય છે અથવા જોખમને મર્યાદિત બનાવી શકાય છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એક બજારમાં થયેલી ખોટને બીજા બજારમાં લાભ મેળવીને સરભર કરવાનો છે.

હેજિંગને વધુ સમજાવું તો એક ખેડૂતે કપાસ વાવ્યો છે, તેનો કપાસ ત્રણ મહિનામાં તૈયાર થશે, તો તે ત્રણ મહિના પહેલાં પોતાનો કપાસ વાયદા બજાર પર વેચી દેશે અને જ્યારે ત્રણ મહિના પછી તેનો કપાસ રેડી થાય ત્યારે તે કપાસ જિન્નર કે જથ્થાબંધ માર્કેટમાં વેચવા જાય ત્યારે તેણે વાયદામાં વેચેલો કપાસનો સોદો ખરીદીને સરભર કરી દેશે, જેથી જો હાજર બજારમાં તેને નુકસાન જાય તો વાયદા બજારમાં ફાયદાથી તે સરભર થાય અને જો વાયદા બજારમાં નુકસાન જાય તો હાજર બજારમાંથી તે સરભર થઈ શકે છે. આ સરભર એટલે કે ઓફસેટ કરવાની જે પદ્ધતિ છે તેને હેજિંગ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here