શિયાળામાં કારને દોડતી રાખવાની ટિપ્સ જાણો એક્સપર્ટ પાસેથી, અધવચ્ચે ગાડી બંધ નહીં પડે અને ગાડીનું પર્ફોર્મન્સ પણ મેન્ટેન રહેશે.

0
16

ડિસેમ્બર મહિનો આવવાની તૈયારી છે અને દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. શિયાળાની ઋતુમાં જેટલું આપણાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે એટલું જ મહત્ત્વપૂર્ણ ગાડીની સંભાળ રાખવી પણ છે. ‘મોટર ઓક્ટેન’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતા મુંબઈના રચિત હિરાનીએ જણાવ્યું કે, શિયાળામાં એર ક્વોલિટીમાં ફેર પડે છે. તેથી ગાડીની એવરેજ અને પર્ફોર્મન્સ પર પણ અસર પડે છે. મોટાભાગે આ સિઝનમાં ગાડીની એવરેજમાં 3%થી 5%નો સુધારો જોવા મળતો હોય છે. જો કે, આ માટે ગાડી યોગ્ય રીતે મેન્ટેન થતી હોવી જરૂરી છે.

કોરોનાકાળમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવાનું ટાળીને શક્ય હોય તો પોતાની ગાડીમાં જ ઓફિસ જવાનું પસંદ કરે છે. પરંતુ કડકડતી ઠંડીની અસર ગાડી પર પહેલાં જોવા મળે છે, કારણ કે આ સિઝનમાં કારના એન્જિન પર વધારે લોડ આવે છે. જો તમે પણ આ સમસ્યા માટે અગાઉથી જ ચેતીને પગલાં લેવા માગતા હો તો અહીં કેટલીક કાર મેન્ટેનન્સ ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમારી ગાડીનું પર્ફોર્મન્સ જળવાઈ રહેશે.

ટાયર પ્રેશર મેન્ટેન કરવું જરૂરી

ઓટો એક્સપર્ટ રચિત હિરાનીનું કહેવું છે કે, શિયાળાની સિઝનમાં ટાયરની ગાડી ખેંચવાની કેપેસિટી ઘટી જાય છે. ગાડીને પુશ કરવા માટે વધુ મહેનતની જરૂર પડે છે અને તેના કારણે એન્જિન પર લોડ પડે છે. તેથી, આ સિઝનમાં કારમાં જરૂર પૂરતું ટાયર પ્રેશર મેન્ટેન કરો અને આ માટે સમયાંતરે ગાડીનાં ટાયરનું પ્રેશર પણ ચેક કરાવતા રહો.

આ સિઝનમાં પાર્કિંગની જગ્યા પર ધ્યાન આપો

ઠંડીમાં કારને ખુલ્લી જગ્યાએ પાર્ક કરવાને બદલે કોઈ એવી જગ્યાએ પાર્ક કરો જ્યાં ઉપર શૅડ હોય અથવા શક્ય હોય તો ગાડીને બેઝમેન્ટમાં જ પાર્ક કરો. આવી જગ્યાએ થોડું હૂંફાળું તાપમાન હોય છે. જે ગાડીનાં એન્જિનને ઠંડું નથી પડવા દેતું. ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરવાથી એન્જિન ઠંડું પડી જાય છે અને તેના કારણે કાર સ્ટાર્ટ થવામાં પ્રોબ્લેમ થાય છે. આવી સ્થિતિમાં એન્જિનને વધુ પેટ્રોલની જરૂર પડે છે. તેથી, પેટ્રોલ પણ વધુ બળે છે.

જૂનું એન્જિન ઓઇલ બદલાવી લો

રચિત હિરાનીએ ગાડીને યોગ્ય રીતે મેન્ટેન કરવાની સલાહ આપતાં કહ્યું કે, જો ગાડીનું એન્જિન ઓઇલ બહુ જૂનું થઈ ગયું હોય તો મિકેનિક પાસે ચેક કરાવો અને જૂનું કાઢીને નવું નખાવી દો. બહુ જૂનું એન્જિન ઓઇલ ગાડીની લાઇફ ઘટાડે છે અને તેની અસર કારની એવરેજ પર પણ પડે છે. નવું એન્જિન ઓઇલ નંખાવવાથી ગાડી પણ સ્મૂધ ચાલશે અને શિયાળામાં ગાડીમાં ઓઇલ પૂરું થઈ જવાની ચિંતા નહીં રહે. તેમજ, વધુ પડતો બ્રેક અને એક્સરલેટરનો ઉપયોગ કરવાનું પણ ટાળો.

બેટરી નિયમિત રીતે ચેક કરાવતા રહો

જો તમે દરરોજ ગાડી લઇને ટ્રાવેલિંગ કરતા હો તો તેની બેટરી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો ઠંડીમાં બેટરી ડિસ્ચાર્જ થઈ જશે તો ગાડી સ્ટાર્ટ કરવામાં સમસ્યા આવી શકે છે. આ સ્થિતિમાં પણ ગાડી પેટ્રોલ વધારે ખાય છે. તેથી, નિયમિત રીતે બેટરી ચેક કરાવતા રહો અને જો જરૂર હોય તો અત્યારથી જ બેટરી બદલાવી લો. જેથી, રસ્તામાં અધવચ્ચે ગાડી બંધ પડી જવાનો વારો ન આવે.

કારની વિંડો બંધ રાખો

શિયાળામાં ઠંડી હોવાથી ટ્રાવેલિંગ વખતે ગાડીમાં એસી ચાલુ કરવાની જરૂર નથી રહેતી અને જો થોડું સફોકેશન થતું હોય તો આપણે વિંડો ખોલી નાખીએ છીએ. પરંતુ આવું કરવું યોગ્ય નથી. ઠંડીની ઋતુમાં કારની વિંડો અને સનરૂફ બંધ રાખવાં જોઇએ. ઠંડો પવન ગાડીને ઠંડી પાડી દે છે. ઠંડી હવાને કારણે તમારી ગાડી સ્ટાર્ટ થવામાં સમસ્યા આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here