અમદાવાદઃ વિધાનસભાના બજેટ સત્રનો 11:00 પ્રારંભ થયા બાદ એક કલાક પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો છે. આ પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ સવાલ-જવાબ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પોલીસના રાજસ્થાનમાંથી દારૂ લાવવાથી લઈ વાઈબ્રન્ટ ગુજરાત અંગેના સવાલોનો સમાવેશ થાય છે.આ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2015 અને 2017માં રોજગારીનો આંકડો સામે આવ્યો છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત 2015માં 29,14,000 રોજગારીના અંદાજ સામે ફક્ત 5,04,400 રોજગારીનું સર્જન થયું છે. જ્યારે 2017ની વાઇબ્રન્ટ સમિટમાં 42,97,800 જેટલા રોજગારીના અંદાજ સામે ફક્ત 3,08,200 રોજગારીનું સર્જન થયું છે.
ગુજરાત પોલીસ રાજસ્થાનથી દારૂ લાવીઃ ગૃહ રાજ્યમંત્રી
ગુજરાત પોલીસ રાજસ્થાનથી દારૂ લાવી હોવાનો ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે સ્વીકાર કર્યો છે. ગુજરાત પોલીસ સામે થોડા સમય અગાઉ ગુજરાતમાં દારૂ લાવવામાં આવતો હતો. તે સમયે રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસ સામે ગુનો નોંધાવ્યો હતો.આ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવતા જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે આ અંગેની માહિતી અમારા ડીજીપી પાસે છે અને આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં વર્ષ 2017માં 74 દુષ્કર્મ
પ્રશ્નોતરીકાળ દરમિયાન મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં જ મહિલાઓ અસુરક્ષિત હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2017માં 74 દુષ્કર્મ અને 68 છેડતીના બનાવો બન્યા છે. જ્યારે વર્ષ 2018માં 64 દુષ્કર્મ અને 39 છેડતીની ઘટનાઓ સામે આવી છે.
રાજ્યની રાજધાનીમાં મહિલાઓ અસુરક્ષિત
જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં દુષ્કર્મના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2017-18માં 131 દુષ્કર્મના કેસ હતા, જે 2018-19માં વધીને 180 થયા છે. ગાંધીનગરમાં 2017-18માં દુષ્કર્મના 12 કેસ હતા જે 2018-19માં 14 કેસ થયા છે.
2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી હતી. આ અરજીઓમાંથી માત્ર 187 અરજીઓ મંજૂર થઈ છે. 298 હિન્દુએ ધર્મ પરિવર્તનની અરજી કરી હતી. 19 મુસ્લિમોએ ધર્મ પરીવર્તનની અરજી કરી હતી. આ ઉપરાંત 6 ખ્રિસ્તીઓ અને 1 બૌદ્ધે ધર્મ પરિવર્તનની અરજી કરી હતી.
રાજ્યમાં કુલ 65 જેટલા આઈએએસ અધિકારીઓની જગ્યા ખાલી
ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં કુલ 65 જેટલા આઈએએસ અધિકારીઓની જગ્યા ખાલી છે. કુલ 313 જગ્યા ગુજરાતમાં મંજૂર થયેલી છે. 21 જેટલા આઈએએસ અધિકારીઓ રાજ્ય બહાર ડેપ્યુટશન પર છે