પતંગ ઉડાડવા દેશે?:ઉત્તરાયણની ઉજવણી અને ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ અંગે બુધવારે મંત્રીમંડળમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા

0
22

ફાઈલ ફોટો
  • હાઇકોર્ટની ટકોર અને વિવિધ સંસ્થાઓના દબાણ વચ્ચે ગુજરાત સરકારે શરૂ કરી કવાયત, કોરોનાના કેસોની પણ સમીક્ષા કરાશે

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે તયારે કોરોનાના કારણે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો છે.જે 31 ડિસેમ્બર સુધી યથાવત છે. સાથે સાથે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જાન્યુઆરી માસમાં કેટલા દિવસનો નાઈટ કર્ફ્યુ રાખવા અને ઉત્તરાયણ માટે ની અલગ ગાઈડલાઈન અંગેનો નિર્ણય બુધવાર ની મંત્રીમંડળની બેઠકમાં લેવાઈ શકે છે. રાજ્યના મહાનગરોમાં નાઈટ કર્ફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે.

2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની
ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ?ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. 25 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે.

રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગેનો નિર્ણય લેવાઈ શકે
હાઈકોર્ટની ટકોર અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ ગંભીર વિચારણા શરૂ કરી છે, અને બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તે અંગેની ખાસ ગાઈડલાઈનની સાથે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવા અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
કોરોનાને કારણે રાજ્ય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ન યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફ્લાઇટો બંધ હોવાથી આમ પણ વિદેશથી પતંગબાજો આવી શક્યા ન હોત. બીજી તરફ ઉત્તરાયણ અંગે પણ સરકાર એસઓપી બહાર પાડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ અંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, આ વખતે વિદેશી પતંગબાજોને આમંત્રિત કરાયાં નથી. પતંગ મહોત્સવ રદ કરવો તે અંગેનો આખરી નિર્ણય આગામી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને લેવામાં આવે તેવી શક્યતા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યાં છે કે, જે રીતે દિવાળીમાં ભીડ વધવાને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તેવું ન થાય તે માટે ઉત્તરાયણના તહેવાર માટે અગાઉથી એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here